Mon Dec 08 2025

Logo

White Logo

જાપાન-ચીન વચ્ચે તણાવ: ફાઇટર જેટે જાપાની વિમાનને 'રડાર લોક' કર્યુંઃ : એશિયામાં યુદ્ધના એંધાણ?

tokyo beijing   13 hours ago
Author: Mumbai Samachar Team
Video

ઓકિનાવા પાસે ચીની જેટ દ્વારા જાપાની F-15ને રડાર લોક કરવાથી એશિયામાં યુદ્ધની શક્યતા વધી; ચીને આરોપ નકાર્યો.

ટોકિયો/બીજિંગઃ જાપાન અને ચીન વચ્ચે પૂર્વીય એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જાપાનએ આજે ગંભીર દાવો કર્યો કે ચીનના ફાઇટર જેટે તેમના મિલિટરી એરક્રાફ્ટ પર ફાયર-કંટ્રોલ રડાર લોક કર્યું હતું. જોકે, બીજિંગે આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, પરંતુ આ ઘટનાના કારણે એશિયા ખંડમાં વધુ એક જંગ છેડાઈ શકે તેવી અટકળો તેજ બની ગઈ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીની નૌસેનાના J-15 ફાઇટર જેટ દ્વારા જાપાનના F-15 લડાકુ જેટને ઓકિનાવા ટાપુ પાસે રડાર લોક કર્યું છે, જે જાપાનની સુરક્ષા માટે યોગ્ય નથી.

ચીની ફાઇટર જેટ્સ દ્વારા ઓકિનાવા નજીક જાપાની વિમાનોને રડારથી લોક કરવાના પગલાને કોઈ પણ લશ્કરી ટકરાવ પહેલાનું સૌથી ખતરનાક કૃત્ય માનવામાં આવે છે. જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે આ પ્રકારનું રડાર ઇલ્યુમિનેશન એરક્રાફ્ટના સુરક્ષિત ઉડાન માટે યોગ્ય નથી. 

જાપાને શનિવારે જ આ ઘટના અંગે ચીન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. જાપાની મીડિયા અહેવાલ મુજબ ટોકિયોમાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચાર્ડ માર્લેસ સાથેની બેઠકમાં કોઈઝુમીએ જણાવ્યું હતું કે જાપાન વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ચીનની આ હરકતનો આક્રમક રીતે જવાબ આપશે.

બીજી તરફ, ચીની નેવીના પ્રવક્તા કર્નલ વાંગ ઝુએમેંગે જાપાની દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જાપાની એરક્રાફ્ટ વારંવાર ચીની નેવીની નજીક આવતા હતા અને તેમને અટકાવી રહ્યા હતા, કારણ કે ચીની નેવી મિયાકો સ્ટ્રેટની પૂર્વમાં પહેલાથી જાહેર કરાયેલ કેરિયર-આધારિત ફ્લાઇટ ટ્રેનિંગ કરી રહી હતી. 

વાંગે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલો પર એક નિવેદનમાં કહ્યું કે જાપાનનું નિવેદન ખોટું છે અને જાપાનની હરકતોએ જ ફ્લાઇટની સુરક્ષાને ગંભીરતાથી જોખમમાં મૂકી દીધી હતી. તેમણે કહ્યું કે ચીની નેવી પોતાના કાયદેસરના અધિકારો અને હિતોની સુરક્ષા માટે કાયદા અનુસાર જરૂરી પગલાં લેશે.

જાપાન અને ચીન બંને દ્વારા દાવો કરાયેલા ટાપુઓ નજીક થયેલું આ ઘર્ષણ છેલ્લા ઘણા વર્ષોમાં બંને દેશની સેનાઓ વચ્ચેનો સૌથી ગંભીર ટકરાવ છે, જે પૂર્વીય એશિયાની આ બે શક્તિઓ વચ્ચે તણાવ વધુ વધારવાની સંભાવના છે. ચીની અખબારના અહેવાલ પ્રમાણે આ ઘટનામાં કોઈપણ ચીની એરક્રાફ્ટે જાપાની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું નહોતું. 

તાઇવાનને લઈને ચીન-જાપાન વચ્ચે તણાવ વધ્યો છે. તાઇવાન જાપાનના સૌથી પશ્ચિમી ટાપુ, યોનાગુનીથી માત્ર 110 કિલોમીટર દૂર છે. અગાઉ, જાપાનના વડા પ્રધાન સાને તાકાઇચીએ ચેતવણી આપી હતી કે જો તાઇવાન વિરુદ્ધ ચીનની કોઈ પણ સૈન્ય કાર્યવાહી જાપાનની સુરક્ષા માટે ખતરો બનશે, તો જાપાન તેનો જવાબ આપી શકે છે. 

ચીને પોતાના નાગરિકોને જાપાનની યાત્રા ન કરવાની સલાહ આપી હતી અને ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટના ટ્રીટેડ પાણીના વિવાદને કારણે સસ્પેન્ડ કરેલા સીફૂડ આયાતને ફરી શરૂ કરવાની યોજના પણ રોકી દીધી છે.