Mon Dec 22 2025

Logo

White Logo

કેમ જૂનાગઢના આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવાની : હિન્દુ રહેવાસીઓ કરી રહ્યા છે માગણી?

2 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ જૂનાગઢના દોલતપરા વિસ્તારની અનેક સોસાયટીઓના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.  આ હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોના રહેવાસીઓએ અન્ય ધર્મના લોકો દ્વારા મકાનો ખરીદવા પર રોક લગાવવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા અને તેમના વિસ્તારમાં અશાંત ધારા કાયદાનો અમલ થાય તેવી માગણી કરી હતી. 

રહેવાસીઓનો આરોપ છે કે આ વિસ્તારમાં મકાનો લઘુમતી સમુદાયના લોકોને જાણી જોઈને ફાળવવામાં આવી રહ્યા છે અને જો આ મુદ્દાનો ઉકેલ નહીં આવે અને કાયદાનો અમલ નહીં થાય તો આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે. એક કિસ્સાને ઉજાગર કરતા, સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે ગીતાબેન જીતુભાઈ સોલંકીનું ઘર લોન ડિફોલ્ટ થયા બાદ હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરવામાં આવ્યું હતું, અને જપ્ત કરાયેલી મિલકત હવે લઘુમતી સમુદાયના ખરીદનારને ઓફર કરવામાં આવી રહી છે, જેનો હેતુ આ વિસ્તારમાં લઘુમતી સમાજના ઘરો વધારવાનો છે. 

વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા બજરંગ દળના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી અશાંત ધારાના અમલ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી, જો વહીવટીતંત્ર નિષ્ક્રિય રહેશે તો ઉગ્ર આંદોલનનો જ વિકલ્પ રહેશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

અન્ય એક સ્થાનિક રહેવાસી, જશુબેન ડોબરિયાએ જણાવ્યું હતું કે વધતા સામાજિક તણાવને કારણે રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ, હરેશ પરસાણાએ માંગણીને ટેકો આપતા જણાવ્યું હતું કે એક સમિતિની રચના કરવામાં આવી છે, એક સર્વે ચાલી રહ્યો છે, અને રિપોર્ટ રજૂ થયા પછી સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે.