ટેલિવિઝનના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-17ના ફિનાલે એપ્લિસોડમાં જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાએ શોના હોસ્ટ અને બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયા પર કેબીસીની હોટ સીટ પર બેઠેલા કુમાર મંગલમ અને બિગ બીના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કુમાર મંગલમે જણાવ્યું હતું કે તેમના પિતા અને દાદાનો પણ બિગ બી સાથે ખૂબ જ ખાસ નાતો રહ્યો છે. ચાલો જોઈએ કુમાર મંગલમે બિગ બીને લઈને શું ખુલાસો કર્યો છે-
અમિતાભ બચ્ચનને પિતા સમાન માને છે
કૌન બનેગા કરોડપતિ ક્વિઝ શો દર્શકોનું ખૂબ જ મનગમતો શો છે અને આ શોના ફિનાલે એપિસોડમાં શોના સ્પોન્સર એટલે કે આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને તેમણે બિગ બીના વખાણ કરતાં તેમને એક ગીત પણ ડેડિકેટ કર્યું હતું. વાત આટલેથી નહોતી અટકી. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન જ તેમના ફેવરેટ હીરો છે અને તેઓ તેમને પિતા સમાન માને છે.
કેબીસી પર આવવામાં ડર લાગતો હતો
કેબીસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બિગ બી કુમાર મંગલમને પૂછે છે કે આ શોમાં આવવામાં આટલું મોડું કેમ થયું તો એના જવાબમાં કુમાર મંગલમે જણાવ્યું હતું કે હું ડરી રહ્યો હતો કે જો હું તમારા સવાલનો જવાબ નહીં આપી શકું તો તમને શું કહીશ? બિગ બીએ તેમની દીકરી અનન્યાને પણ પૂછ્યું કે શું તેઓ સાચે નર્વસ હતા? અનન્યાએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી જીકેના બધા પુસ્તકો વાંચી રહ્યા છે અને છેલ્લાં ત્રણ-ચાર અઠવાડિયાની વાત કરીએ તો તેમણે ખૂબ જ મહેનત કરી છે.
પિતાજીએ કહ્યું પહેલાં સીએ કર
બિગ બીએ કુમાર મંગલમના વખાણ કરતાં જણાવ્યું હતું કે ધરોહર એમને એમ નથી બનતી, તેને બનાવવી પડે છે. બિરલા પરિવારનું યોગદાન દેશ અને સમાજ માટે ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. બિગ બીએ તેમને એવું પૂછ્યું કે તમે તમારા પિતાજી, દાદાજી કે કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી પ્રેરણા લીધી છે? આ સવાલના જવાબમાં કુમાર મંગલમે જણાવ્યું હતું મેં ત્રણેય પાસેથી કંઈકને કંઈક શીખ્યું જ છે. મને લાગ્યું હતું કે ગ્રેજ્યુએશન પછી પપ્પાનું ઓફિસ જોઈન કરી લઈશ, પણ તેમણે મને કહ્યું કે પહેલાં સીએ કર, નહીં તો તારા માટે મારી ઓફિસમાં જગ્યા નથી. દાદાજી પાસે ગયો તો તેમણે પણ કહ્યું કે પહેલાં સીએ તો કરો, પછી જોઈએ આગળનું.
ચાર-ચાર વખત કર્યા હનુમાન ચાલીસાના પાઠ
આ એપિસોડમાં કુમાર મંગલમે પોતાના પિતાને યાદ કરતાં કહ્યું કે હું 27 વર્ષનો હતો જ્યારે મારા પિતાનું નિધન થયું. હું સમજી જ નહોતો શક્યો કે બધું કઈ રીતે સંભાળીશ. એ સમયે હું ચાર ચાર વખત હનુમાન ચાલીસા વાંચતો હતો. બુકમાં, દીવાલ પર રામ રામ લખતો હતો. તેમના ગયા બાદ દાદાજીએ મને ખૂબ સપોર્ટ કર્યો. પણ મને તેમના પર પણ આટલો બોજો નાખવાનું પસંદ નહોતું. જ્યારે મારા દાદાજીનું પણ નિધન થયું ત્યારે મેં એમનું કપબોર્ડ ખોલ્યું અને જોયું કે તેઓ ખૂબ જ સાદગીપૂરણ જીવન જીવતા હતા. હું ખૂબ જ ચોંકી ઉઠ્યો હતો આ જોઈને.
બિગ બીને કર્યો સવાલ
બિગ બીના વખાણ કરતાં કુમાર મંગલમે જણાવ્યું હતું કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે જ મારા ફેવરેટ સ્ટાર છો. મેં તમારી સાથે ખાસ્સો સમય પસાર કર્યો છે, દેશ-વિદેશ ફર્યો છું. પણ મેં એમના જેવી વ્યક્તિ ક્યારે જોઈ નથી. હું તમને એક સવાલ રૂછવા માંગું છું. આપણે પહેલી વખત 1978માં કઈ ફિલ્મના સેટ પર મળ્યા હતા, હું શૂટિંગ જોવા આવ્યો હતો? તમારી પાસે કોઈ લાઈફલાઈફ નથી. બિગ બીએ આ સવાલના જવાબમાં કહ્યું કભી કભી. પરંતુ બિગ બીનો આ જવાબ ખોટો હતો.
સિંગિગ ટેલેન્ટ દેખાડ્યું કુમાર મંગલમે
કુમાર અને બિગ બી 1978માં ફિલ્મ નટવરલાલના સેટ પર પહેલી વખત મળ્યા હતા અને એ સમયે જ કુમાર મંગલમને અંદાજો આવી ગયો હતો કે એક્ટિંગ એ ખૂબ જ અઘરું કામ છે. આ સિવાય કુમાર મંગલમે બિગ બી માટે જિધર દેખુ, તેરી તસવીર નઝર આતી હૈ ગીત પણ ગાયું હતું.