Thu Jan 01 2026

Logo

White Logo

કચ્છના કાંઠાળ પટ્ટામાં મેગા ડિમોલિશન, : પોર્ટ ઓથોરિટીએ મીઠાના અગરો પર બુલડોઝર ફેરવી કરોડોની જમીન ખાલી કરાવી

5 days ago
Author: Mayur Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: પર્યાવરણના જતન માટે વર્ષ ૨૦૧૦માં અસ્તિત્વમાં આવેલી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અંતર્ગત સરહદી કચ્છના ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટામાં મીઠું પકવવા માટે ભૂ-માફિયાઓ દ્વારા ઉભા કરી દેવામાં આવેલા દબાણોને દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા હટાવી, કંડલા બંદર હસ્તકતની મૂલ્યવાન જમીનને મીઠાના અગરોથી મુક્ત કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પાણીમાં તરી શકે એવા ખાસ પ્રજાતિમાં સમાવિષ્ટ ખારઈ ઊંટ માટેના ઉછેરક સંગઠન દ્વારા ભચાઉના કાંઠાળ વિસ્તારમાં મીઠાંના અગરોનાં દબાણને કારણે ચેરિયાંઓનું નિકંદન નીકળતું હોવા અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ગંભીરતાથી લઈને ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કાંઠાળ વિસ્તારમાં જમીન માફિયાઓ દ્વારા થયેલા તમામ ગેરકાયદે દબાણોને તાત્કાલિક તોડી પાડવાં માટે હુકમ દેવામાં આવતાં વહેલી સવારે કંડલા પોર્ટના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને અંદાજિત એકસો જેટલા હથિયારબંધ પોલીસ જવાનોના કાફલા સાથે મીઠાંના અગરો ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી ડેપ્યુટી ચીફ એન્જિનીયર શ્રીનિવાસ રાવ અને કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. 

ભચાઉથી અંદાજિત ૧૪ કિલોમીટર અંદર આવેલા મીઠાંનાં અનધિકૃત ઢગલાં પર બુલડોઝર ફેરવી, ૯૫૦ એકરથી વધુ જમીનને તેની મૂળ સ્થિતિમાં પુન: સ્થાપિત કરી, મીઠાના અગરોથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં આવ્યું હતું.ભવિષ્યમાં આવી કોઈ પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરી તુરંત દૂર કરવામાં આવશે તેવી તાકીદ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખની છે કે, કંડલા બંદરના પ્રશાસન દ્વારા અગાઉ કંડલામાં મેગા ડીમોલેશન ઝુંબેશ હાથ ધરીને સેંકડો એકર જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.  હવે કચ્છના કાંઠાળ પટ્ટામાં લાંબા સમયથી ગેરકાયેદે મીઠું પકવતા માથાભારે શખ્સો દ્વારા થયેલાં દબાણ ઉપર બુલડોઝર ફેરવવાની આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.