મદાવાદ/નવી દિલ્હીઃ આજે વર્ષ 2025નો અંતિમ દિવસ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અને વર્ષ 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થઈ શકે છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે.
— India Meteorological Department (@Indiametdept) December 30, 2025
હવામાન વિભાગ મુજબ આજે અને 1 જાન્યુઆરી 2026ના રોજ વરસાદી ઝાપટાં પડી શકે છે.સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અસર જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાંની શક્યતા છે. વરસાદી માહોલ બાદ, 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં કોલ્ડ વેવ અને તીવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ક્લાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુંબઈની મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને આ સ્થિતિ આગામી 2 થી 3 દિવસ સુધી યથાવત રહેશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર તુલનાત્મક રીતે ઘટ્યું હતું, પરંતુ હવે નવા વર્ષના આગમન સાથે ઠંડી પણ વધુ જોર પકડશે. પશ્ચિમ મહારાષ્ટ્ર અને રાજ્યના ઘાટ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે, જ્યાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે.
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી
ઉત્તર ભારત કડકડતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના ભરડામાં છે. પંજાબના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું. જ્યારે દિલ્હી ગાઢ ધુમ્મસે વિઝિબિલિટી ઘટાડી દીધી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષના કારણે પ્રવાસીઓ ખુશ છે. હવામાન વિભાગે નવા વર્ષની પૂર્વ સંધ્યા પર વિશેષ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 1 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે. હિમાચલ પ્રદેશ ઇને ઉત્તર પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવાથી મધ્યમ બરફવર્ષા થઈ શકે છે. પંજાબ અને હરિયાણામાં પણ 31 ડિસેમ્બરે હળવો વરસાદ થઈ શકે છે. પંજાબમાં બઠિંડા અને ગુરદાસપુર જેવા વિસ્તારોમાં તાપમાન 4-6 ડિગ્રી સુધી ગગડી ગયું છે, જેના કારણે કોલ્ડ વેવ (શીત લહેર) જેવી સ્થિતિ સર્જાઈ છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7-9 ડિગ્રીની આસપાસ છે, પરંતુ ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણને કારણે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 'વેરી પુઅર' થી 'સિવિયર' (અતિ ગંભીર) શ્રેણીમાં પહોંચી ગયો છે, ઘણા વિસ્તારોમાં તે 400 ને પાર નોંધાયો છે. ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી ચાલી રહી છે, અને ઘણી જગ્યાએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી છે.
હિમાચલના મનાલી, શિમલામાં તાજી હિમવર્ષાને કારણે સફેદ ચાદર છવાઈ ગઈ છે, પરંતુ ઊંચાઈવાળા રસ્તાઓ બંધ થવાનો ખતરો છે. ઉત્તરાખંડમાં પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીની અસર જોવા મળી રહી છે.