નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સાથેના મુક્ત વેપાર કરાર થકી ભારતના કૃષિ, પેટ્રોલિયમ, ફાર્મા, એપરલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઑટો સહિતનાં ક્ષેત્રના નિકાસકારોના શિપમેન્ટ વધારવામાં મદદરૂપ નહીં થાય, પરંતુ ન્યૂઝીલેન્ડની ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઍન્ડ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ)ની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2024-25માં ન્યૂઝીલેન્ડે ચીનથી 10 અબજથી વધુ મૂલ્યના માલની આયાત કરી હતી, જ્યારે ભારતથી માત્ર 71.10 કરોડ ડૉલરની આયાત થઈ હતી અને તે વર્ષમાં વેલિંગ્ટનની કુલ આયાત 50 અબજ ડૉલરની રહી હતી. જીટીઆરઆઈએ અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેનાં દ્વીપક્ષીય મુક્ત વેપાર કરાર થવાથી હવે ભારતનાં વિવિધ ક્ષેત્રના નિકાસકારો માટે વધુ તક અસ્તિત્વમાં આવી છે.
આ કરાર થકી જે ક્ષેત્રો માટે તકો નિર્માણ થઈ છે તેમાં ખાદ્ય અને કૃષિ સંલગ્નિત ઉત્પાદનો, પેટ્રો પેદાશ અને ઔદ્યોગિક રસાયણ, ફાર્માસ્યુટિકલ્સ અને હૅલ્થકૅર, પ્લાસ્ટિક્સ, રબર, ક્નઝ્યુમર ગૂડ્સ, ટેક્સ્ટાઈલ અને એપરલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ્સ, ઑટોમોબાઈલ અને ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટ્સ, એરોસ્પેસ અને ઊંચાં મૂલ્યવાળાં ઉત્પાદનો, ફર્નિચર અને લાઈટિંગનો સમાવેશ થાય છે.
ભારત બેકરી ઉત્પાદનોનો વૈશ્વિક 60.2 કરોડ ડૉલરની નિકાસ સાથે નોંધપાત્ર વૈશ્વિક નિકાસકાર દેશ છે અને ન્યૂઝીલેન્ડ વર્ષે 25 કરોડ ડૉલરના મૂલ્યની આયાત કરે છે, જેમાં ભારત 65 લાખ ડૉલરના મૂલ્યનો પુરવઠો પૂરો પાડે છે, જ્યારે ચીન 2.1 કરોડ ડૉલરનો પુરવઠો પૂરો પાડે છે. આજ પેટર્ન ફૂડ પ્રિપરેશનમાં જોવા મળે છે. ભારત વૈશ્વિક સ્તરે 81.7 કરોડ ડૉલરની નિકાસ કરે છે, ન્યૂઝીલેન્ડ 45.5 કરોડ ડૉલરની આયાત કરે છે અને ભારતનો હિસ્સો માત્ર 77 લાખ ડૉલરનો છે.
વધુમાં તેલખોળ અને પશુઆહારમાં ભારતની નિકાસની રેન્જ 38.2 કરોડ ડૉલરથી 50.7 કરોડ ડૉલરની છે અને ન્યૂઝીલેન્ડની આયાતની રેન્જ 34થી 37.9 કરોડ ડૉલરની છે. જોકે, ચીન સાથેની અત્યંત ઓછી સ્પર્ધા છતાં ભારતની ન્યૂઝીલેન્ડ ખાતેની નિકાસ એકથી પાંચ લાખ ડૉલર જેવી નગણ્ય છે જે સૂચવે છે કે બજાર કોઈ મજબૂત પુરવઠાકારથી અવરોધિત નથી આથી બજાર અંકે કરી શકાય તેમ છે, એમ જીટીઆરઆઈના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું હતું કે તે જ પ્રમાણે ભારત રિફાઈન્ડ પેટ્રોલિયમ પેદાશનો પણ 69.2 અબજ ડૉલરની નિકાસ સાથે વૈશ્વિક અગ્રણી નિકાસકાર દેશ છે અને ન્યૂઝીલેન્ડ આ ઉત્પાદનોની વર્ષે 6.1 અબજ ડૉલરની આયાત કરે છે, પરંતુ તેમાંથી ભારતથી આયાત માત્ર 23 લાખ ડૉલરની હોય છે, જ્યારે ચીનથી આયાત 18.1 કરોડ ડૉલરની હોય છે. આ જ પ્રકારનો તફાવત એલ્યુમિનિયમ ઑક્સાઈડમાં છે. ભારતની વૈશ્વિક નિકાસ 1.1 અબજ ડૉલરની છે અને ન્યૂઝીલેન્ડની આયાત 25.5 કરોડ ડૉલરની છે, પરંતુ ન્યૂઝીલેન્ડ ખાતે ભારતની નિકાસ માત્ર બે લાખ ડૉલરની જ છે.
તે જ પ્રમાણે ભારતની ફાર્માસ્યુટિકલની વૈશ્વિક નિકાસ 20.6 અબજ ડૉલરની છે અને ન્યૂઝીલેન્ડ વર્ષે 96.2 કરોડ ડૉલરની આયાત કરે છે, પરંતુ તેમાં ભારતથી આયાત માત્ર 7.5 કરોડ ડૉલરની છે, જ્યારે ચીનથી આયાતનો હિસ્સો 96 લાખ ડૉલરનો છે. વધુમાં ભારત 1.6 અબજ ડૉલરના મૂલ્યની બાયોલોજિકલ અને વેક્સિન્સની નિકાસ કરે છે અને ન્યૂઝીલેન્ડ 32.8 કરોડ ડૉલરના મૂલ્યની આયાત કરે છે. તેમાં ભારતથી આયાત માત્ર 7.5 કરોડ ડૉલરની છે, જ્યારે ચીનથી આયાત 96 લાખ ડૉલરની છે.
વધુમાં ભારતની મહિલાઓનાં વસ્ત્રોની વૈશ્વિક નિકાસ ત્રણ અબજ ડૉલરની છે ન્યૂઝીલેન્ડની આયાત 17.9 કરોડ ડૉલરની છે જેમાં ભારતથી થતી નિકાસનો હિસ્સો માત્ર 98 લાખ ડૉલરનો છે, જ્યારે ચીનથી થતી આયાતનો હિસ્સો 11.2 કરોડ ડૉલરનો છે. નોંધનીય બાબત એ છે કે ભારત ગાર્મેન્ટ્સની નિકાસમાં સારું સ્પર્ધાત્મક સ્થાન ધરાવે છે છતાં નિકાસ હિસ્સો ઓછો છે. આ જ પ્રમાણે ટેલિકોમ, ટ્રાન્સફોર્મર, બેટરી, સ્વિચગીઅર અને કેબલ્સ, ઑટો ક્ષેત્ર અને ઑટો પાર્ટસ જેવાં ક્ષેત્રોમાં ભારત નિકાસ હિસ્સો વધારી શકે તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું.