Thu Dec 11 2025

Logo

White Logo

મલાડમાં કૉલેજની વિદ્યાર્થિને ભયાનક અનુભવ : રિક્ષા ડ્રાઈવરની દાનત બગડી: બૂમાબૂમ કરતાં વિદ્યાર્થિનીને ચાલતી રિક્ષામાંથી ધકેલી મૂકી

1 day ago
Author: Yogesh C Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મલાડની કૉલેજથી ઘરે જવા રિક્ષામાં બેસેલી વિદ્યાર્થિનીને ભયાનક અનુભવ થયો હતો. રિક્ષા ડ્રાઈવરની દાનત બગડતાં તે અશ્ર્લીલ ઇશારા કરવા લાગ્યો હતો અને વિદ્યાર્થિનીના કહેવા છતાં તેણે રિક્ષા પૂરપાટ વેગે દોડાવી મૂકી હતી. વિદ્યાર્થિનીએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકતાં નરાધમ રિક્ષા ડ્રાઈવરને તેને ચાલતી રિક્ષામાંથી રસ્તા પર ધકેલી મૂકી હતી.

મલાડ પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ રિક્ષા ડ્રાઈવરને કાંદિવલી પરિસરમાંથી શોધી કાઢ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ કેશવ પ્રસાદ યાદવ (54) તરીકે થઈ હતી. કાંદિવલી પશ્ર્ચિમમાં લાલજી પાડા ખાતે રહેતા આરોપી વિરુદ્ધ પોલીસે વિનયભંગ અને હત્યાના પ્રયાસ સહિત પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સોમવારની સાંજે મલાડ પશ્ર્ચિમમાં બની હતી. ચાર વાગ્યાની આસપાસ કૉલેજમાંથી છૂટ્યા પછી વિદ્યાર્થિની એસ. વી. રોડ પરથી યાદવની રિક્ષામાં બેઠી હતી. વિદ્યાર્થિનીને ઓર્લેમ ચર્ચ પરિસરમાં જવાનું હતું. 

ફરિયાદમાં જણાવાયું હતું કે થોડે જ અંતરે પહોંચ્યા પછી યાદવે કાચમાં વિદ્યાર્થિનીને જોઈ અશ્ર્લીલ ઇશારા કરવા માંડ્યા હતા. યાદવના વિકૃત ઇરાદાનો અંદેશો આવતાં વિદ્યાર્થિનીએ તેને રિક્ષા રોકવા કહ્યું હતું. જોકે યાદવે રિક્ષા રોકવાને બદલે પૂરપાટ વેગે દોડાવી મૂકી હતી. પરિણામે વિદ્યાર્થિનીએ મદદ માટે બૂમો પાડવા માંડી હતી.

વિદ્યાર્થિનીને બૂમો પાડતી રોકવા માટે આરોપીએ તેને ધમકાવવા માંડી હતી. જોકે ડરી ગયેલી વિદ્યાર્થિનીએ વધુ મોટા અવાજે બૂમાબૂમ કરી મૂકતાં આરોપીએ વાહનોની ભારે અવરજવરવાળા માર્ગ પર વિદ્યાર્થિનીને ધકેલી મૂકી હતી. રિક્ષામાંથી બહારની તરફ ધકેલાયેલી વિદ્યાર્થિની પોતાનો જીવ બચાવી ભાગી હતી.

પોતાની સાથે બનેલી ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ માતા અને બહેનને કરી હતી. મામલો પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા પચીસથી ત્રીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસે રિક્ષાનો નંબર મેળવ્યો હતો. ફૂટેજમાં રિક્ષા છેલ્લે કાંદિવલી પરિસરમાં નજરે પડી હતી.

પોલીસની અલગ અલગ ટીમે કાંદિવલીમાં પેટ્રોલિંગ કરી રિક્ષાને શોધી કાઢી હતી. રિક્ષા પાર્ક કરીને આરોપી તેમાં જ સૂઈ ગયો હતો. પોલીસ સ્ટેશને લાવી આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.