(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ આગામી 'થર્ટી ફર્સ્ટ'ની પાર્ટી મનાવવા માટે થનગની રહેલા નશાખોરો પર તવાઈ બોલાવવા માટે સતર્ક બનેલી પોલીસે કાર્યવાહી જારી રાખી છે અને વીતેલા ૨૪ કલાક દરમ્યાન અંજાર તાલુકાના વરસામેડી ગામ અને આદિપુર ખાતેથી ૧,૭૧,૧૦૦ની કિંમતના અંગ્રેજી શરાબના જથ્થાને જપ્ત કરી, આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, વરસામેડી ગામના બાગેશ્રી નગર-૧ના મકાન નં. ૪૩-એમાં રહેનાર કાના વેલા બઢિયા નામનો શખ્સ અન્ય મકાન નંબર ૩૫-એમાં શરાબનો સંગ્રહ કરીને તેનું છૂટક વેચાણ કરતો હોવાની પ્રાપ્ત થયેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. આરોપીની સૂચક ગેરહાજરી વચ્ચે આ મકાનમાંથી અલગ-અલગ કંપનીનો કુલ રૂા.૧,૫૧,૫૫૦નો શરાબ જપ્ત કરી, ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
બીજી તરફ, અંજાર અને ગાંધીધામ વચ્ચેના આદિપુર શહેરના ગોપાલ સ્ટેડિયમ નજીક હનુમાન મંદિર પાછળ એક બાથરૂમમાં શરાબના જથ્થાને સંગ્રહ કરીને તેનું શૈક્ષણિક સંકુલ આસપાસ છૂટક વેંચાણ કરનારા શૈલેષ ઉર્ફે ભલો સામજી મહેશ્વરી (ધેડા) (રહે. ભકિતધામ મેઘપર કુંભારડી)ને પોલીસે દબોચી, તેની પાસેથી રૂા. ૧૯,૬૦૦નો અંગ્રેજી પ્રકારનો શરાબ જપ્ત કરાયો હતો. આ માદક દ્રવ્ય શૈલેષને તેનો ભાઇ કિશન સામજી મહેશ્વરી (ધેડા) આપી ગયો હોવાનું પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.