Mon Dec 22 2025

Logo

White Logo

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર: : એરપોર્ટ પર 110 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં...

1 day ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ વિઝિબિલિટીના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે 110 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 59 આગમન અને 51 પ્રસ્થાન કરતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 370 થી વધુ ફ્લાઈટ્સના શિડ્યુલમાં સરેરાશ 26 મિનિટનો વિલંબ થયો હતો. 

જોકે, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે તેઓ સ્થિતિને થાળે પાડવા પ્રયત્નશીલ છે, પરંતુ દરરોજ 1300 ફ્લાઈટ્સનું સંચાલન કરતું આ એરપોર્ટ હવામાનની પ્રતિકૂળતા સામે સંવેદનશીલ હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક બની રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ, રવિવારે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 386 નોંધાયો હતો, જે 'ખૂબ ખરાબ' શ્રેણીમાં આવે છે. શહેરના 16 મોનિટરિંગ સ્ટેશનોએ તો AQI સ્તર 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો હતો. 

માત્ર દિલ્હી જ નહીં, પરંતુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે અન્ય એરપોર્ટ પર પણ અસર જોવા મળી છે. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ 11 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગરની બે ફ્લાઈટ્સ રદ થઈ હતી અને ઘણી ફ્લાઈટ્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન ચોખ્ખું થયા બાદ જ ફ્લાઈટ્સનું સંચાલન ફરીથી સામાન્ય થવાની શક્યતા છે.