Mon Dec 08 2025

Logo

White Logo

મોડેલ ટેનન્સી એક્ટ: : હવે મકાનમાલિકોની મનમાની નહીં ચાલે, ભાડૂઆતોને મળી શકે મોટી રાહત?

3 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ દેશમાં લાખો લોકો ભાડાના મકાનોમાં રહે છે. તેમને ઘણીવાર મકાનમાલિકોની મનમાનીનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ 6 મહિનાની સિક્યોરિટી ડિપોઝિટ માંગવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ લેખિત કરાર વિના પણ ભાડું વધારવામાં આવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે દેશભરમાં 'મોડેલ ટેનન્સી એક્ટ 2025' લાગુ કરવા જઈ રહી છે આનાથી ભાડૂઆતોને રાહત મળશે. મકાનમાલિકોની મનમાની પર પણ અંકુશ લાગશે. કેન્દ્ર સરકારનો આ કાયદો દેશભરમાં લાગુ કરવામાં આવશે.

સુરક્ષા અને સ્પષ્ટતા માટે નવા નિયમો

નવા ભાડા નિયમો હેઠળ ડિપોઝિટ રકમ પર મર્યાદા રહેશે. ભાડું મનસ્વી રીતે વધારી શકાશે નહીં. ઉપરાંત, ભાડૂઆતને કોઈપણ માન્ય કારણ વગર ઘરમાંથી કાઢી શકાશે નહીં. આ કાયદાથી સામાન્ય ભાડૂઆતોને મોટી રાહત મળી છે. આ કાયદો સમગ્ર ભાડા પ્રક્રિયાને સ્પષ્ટ, સુરક્ષિત અને વધુ પારદર્શક બનાવશે. આ કાયદો ભાડૂઆતો માટે રાહતરૂપ હોઈ શકે છે, પરંતુ મકાનમાલિકો માટે માથાનો દુખાવો બનશે, તેથી તેઓ આ નિર્ણયને કેવી રીતે જુએ છે તે જોવાનું છે.

સિક્યોરિટી ડિપોઝિટની રકમ પર કડક મર્યાદા

નવા નિયમો અનુસાર મકાનમાલિકો હવે પોતાની મરજીથી સિક્યોરિટી ડિપોઝિટ માંગી શકશે નહીં. રહેણાંક મકાનો માટે મહત્તમ 2 મહિનાના ભાડા જેટલી સિક્યોરિટી ડિપોઝિટ લઇ શકાશે. જયારે કોમર્શિયલ જગ્યાઓ માટે, આ મર્યાદા 6 મહિના રાખવામાં આવી છે. આનાથી ઘર ભાડે લેતી વખતે ભાડૂઆતો પર પડતો નાણાકીય બોજો ઓછો થશે.

લેખિત કરાર જરૂરી

મોડેલ ટેનન્સી એક્ટ મુજબ, દરેક ભાડા માટે લેખિત ભાડા કરાર કરવો ફરજિયાત છે. ભાડું, ભાડામાં વધારો, સમારકામની જવાબદારી અને ભાડાનો સમયગાળો બધું જ કરારમાં સ્પષ્ટપણે જણાવવું પડશે. કરાર થયાના 60 દિવસની અંદર તેને 'રેન્ટ ઓથોરિટી' પાસે જમા કરાવવું ફરજિયાત છે.

ડિજિટલ નોંધણી

રાજ્યોએ એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવું પડશે જ્યાં ભાડા કરારો ઓનલાઈન રજીસ્ટર કરવામાં આવશે. આ નોંધાયેલ કરાર કાયદેસર રીતે માન્ય ગણવામાં આવશે.

ભાડા વધારા નિયમો

મકાનમાલિકો હવે મનસ્વી રીતે ભાડું વધારી શકશે નહીં. ભાડામાં વધારો ફક્ત લેખિત કરાર મુજબ જ કરવામાં આવશે. ઉપરાંત, ભાડા વધારા પહેલાં ભાડૂતને લેખિત સૂચના આપવી ફરજિયાત છે.

મનસ્વી રીતે ઘર ખાલી નહીં કરાવાય  

મકાનમાલિકો હવે ભાડૂતોને પોતાની મરજીથી ઘર બહાર કાઢી શકશે નહીં. આ માટે રેન્ટ ઓથોરિટીનો આદેશ જરૂરી રહેશે.  ભાડું ન ચૂકવવું, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી અથવા પરવાનગી વિના બીજા કોઈને જગ્યા ભાડે આપવી આ કારણોનો કાયદામાં ઉલ્લેખ છે.

વિવાદોનો ઝડપથી ઉકેલ આવશે

નવા કાયદામાં વિવાદોના નિરાકરણ માટે 3-સ્તરીય પદ્ધતિ (ભાડા સત્તામંડળ, ભાડા અદાલત અને ભાડા ટ્રિબ્યુનલ) આપવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય 60 દિવસમાં ભાડા સંબંધિત કેસોનો ઉકેલ લાવવાનો છે, જેનાથી લાંબી કોર્ટ કાર્યવાહીથી છુટકારો મળશે.