સુખનો પાસવર્ડ - આશુ પટેલ
એક માણસ ઘર નજીકના બગીચામાં ચાલવા ગયો. ત્યાં થોડા સમય માટે ચાલ્યા પછી પોતાના ઘરે ગયો. એ વખતે તેને ખ્યાલ આવ્યો કે તે ઘાસની લોન પર ચાલી રહ્યો હતો ત્યારે તેની કીમતી ઘડિયાળ બગીચામાં ક્યાંક પડી ગઈ છે. તે ઘાંઘોવાંઘો થઈને ફરી બગીચામાં ગયો અને તેણે ઘડિયાળ શોધવા માટે ખૂબ કોશિશ કરી, પણ પેલી ઘડિયાળ મળી નહીં.
એ ઘડિયાળ શોધી રહ્યો હતો એ વખતે ત્યાં કેટલાક છોકરાઓ ધમાલમસ્તી કરી રહ્યા હતા. પેલાને વિચાર આવ્યો કે હું આ છોકરાઓને ઇનામની લાલચ આપું તો તેઓ આખા બગીચામાં ફરી વળશે અને મારી ઘડિયાળ શોધી લાવશે. તેણે છોકરાઓને બોલાવીને કહ્યું કે મારી બહુ મોંઘી ઘડિયાળ અહીં ગાર્ડનમાં ઘાસની લોનમાં ક્યાંક પડી ગઈ છે. જે બાળક મારી ઘડિયાળ શોધી આપશે તેને હું મોટું ઈનામ આપીશ.
બધા બાળકો ઈનામની લાલચમાં ઘડિયાળ શોધવા માટે મચી પડ્યા. પરંતુ કોઈને ઘડિયાળ મળી નહીં. બધા બાળકોએ નિરાશ થઈને કહ્યું કે ઘડિયાળ નથી મળી રહી.
આ દરમિયાન એક છોકરો એક બાજુ શાંતચિત્તે ઊભો હતો. શ્રીમંતને નવાઈ લાગી. તેણે તે છોકરાને પૂછ્યું કે `તેં ઘડિયાળ શોધવાની કોશિશ ન કરી? તને ઈનામ મેળવવાની લાલચ થતી નથી?'
તે છોકરાએ ગજબના આત્મવિશ્વાસ સાથે કહ્યું, `હું ઘડિયાળ શોધી આપીશ, પણ આ બધા છોકરાઓને બગીચામાંથી બહાર જવાનું કહો અને તમે પણ અહીંથી જતા રહો. તો હું થોડીવારમાં તમને ઘડિયાળ શોધી આપું.' તે શ્રીમંતને નવાઈ લાગી, પણ એના સહિત બધા બગીચામાંથી બહાર જતા રહ્યા...
થોડીવારમાં જ પેલો છોકરો તે માણસની ઘડિયાળ લઈને બહાર આવ્યો. તે માણસ અચંબો પામી ગયો :
`મેં અને બધાં બાળકોએ કેટલી વાર સુધી ઘડિયાળ શોધી તો પણ અમને ન મળી તો પછી તને કેમ આટલી જલદી આ ઘડિયાળ મળી ગઈ?'
પેલા છોકરાએ કહ્યું : `એમાં કઈ મોટી વાત નથી. તમે બધા બહાર ગયા એટલે બગીચામાં કોલાહલ શાંત થઈ ગયો. એ પછી હું શાંત વાતાવરણમાં કાન માંડીને ઊભો રહ્યો એટલે ઘડિયાળનો ટીકટીક અવાજ સંભળાયો. મને ખબર પડી કે ઘડિયાળ કઈ જગ્યાએ પડી છે અને બસ, ત્યાંથી એ ઘડિયાળ ઉપાડીને તમારી પાસે આવ્યો.!'
આ વાત વર્ષો અગાઉ ઓશોના કોઈ પુસ્તકમાં વાંચી હતી.
આ વાત દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે. સતત હાયવોય અને ઉધામા કરતાં હોય એવા લોકોએ તો આ વાત ખાસ જીવનમાં ઉતારવા જેવી છે. મનમાં કે બહાર ક્યાંય પણ અશાંતિ હોય, એકાગ્રતા ન હોય ત્યારે આપણને જે જોઈતું હોય એ આપણે મેળવી નથી શકતા. કશું પણ મેળવવું હોય, જાણવું હોય, શીખવું હોય તો એકાગ્રતા જોઈએ. શાંત અને એકાગ્ર ચિત્તે કશું પણ વિચારીએ તો રસ્તાઓ મળી આવતા હોય છે. એકાગ્રતાની વાત કરતી વખતે સૂફી સંત બાયજીદના જીવનનો એક કિસ્સો યાદ આવે છે.
બાયજીદ યુવાનીમાં તેમના ગુ પાસેથી રોજ ઉપદેશ સાંભળતા હતા. આવી રીતે એક વાર તેમના ગુ પાસેથી ઉપદેશ સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક ગુએ કહ્યું: `બાયજીદ, ત્યાં બારી પાસે પડેલું પુસ્તક લઈ આવ.'
બાયજીદ ગુની સામે તાકી રહ્યા.
ગુએ ફરી વાર કહ્યું, `મેં તને બારી પાસે પડેલું પુસ્તક લઈ આવવા કહ્યું એ તેં સાંભળ્યું નહીં?'
બાયજીદ જાણે હોશમાં આવ્યા હોય એ રીતે બોલ્યા: `કઈ બારીની વાત કરો છો તમે? ક્યાં છે બારી?'
ગુ આશ્ચર્યચકિત થઈ ગયા કહ્યું : `તું વર્ષોથી મારી પાસે આવે છે. આ કમરામાં બેસીને મારી પાસે ઉપદેશ સાંભળે છે છતાં તને એ પણ ખબર નથી કે બારી ક્યાં છે?'
બાયજીદ બોલ્યા: `મને માફ કરજો. મને ખરેખર ખબર નથી કે બારી ક્યાં છે... હું આ કમરામાં પ્રવેશું એ પછી માત્ર તમને જ જોતો રહું છું. તમારા સિવાય બીજું કશું મારી નજરે ચડતું નથી. હું દરવાજામાં પ્રવેશું પછી માત્ર તમાં અસ્તિત્વ જ મારી નજર સામે હોય છે. મારી નજર બીજે ક્યાંય જતી નથી.'
ગુજી થોડી પળો પોતાના અનોખા શિષ્ય સામે જોઈ રહ્યા. એ પછી તેમણે કહ્યું:
`બાયજીદ, તું હવે પાછો જઈ શકે છે. તેં અભ્યાસ પૂરો કરી લીધો છે. તારે હવે કશું શીખવાની જરૂર નથી!'
એ પછી બાયજીદએ બાકીની આખી જિંદગી પોતાના ઘરમાં અને મસ્જિદમાં અલ્લાહની બંદગીમાં એકાગ્ર થઈને વિતાવી. કોઈ તેમને મળવા જાય તો તેઓ ધર્મ વિશે ચર્ચા કરતા. પોતે પ્રાપ્ત કરેલું જ્ઞાન તેમણે યોગ્ય વ્યક્તિઓને વહેંચ્યું. લક્ષ્યની પ્રાપ્તિ માટે એકાગ્રતા જરૂરી છે એવો બોધ બાયજીદ તેમના જીવન થકી આપી ગયા.
ઘણા લોકો કહેતા હોય છે કે અમે સુખ શોધવા માટે બહુ ઉધામા કર્યા, બહુ મથામણ કરી પણ ક્યાંય સુખ મળ્યું નહીં. એ રીતે ક્યાંય સુખ મળે નહીં. માણસે શાંત ચિત્તે - એકાગ્રતા સાથે વિચારવું જોઈએ. આપણી ભીતર પણ કોલાહલ ચાલતો હોય ત્યારે આપણે એકાગ્રતા જાળવી શકતા નથી. એકાગ્રતા જાળવી શકીએ તો જેમ પેલા બાળકને ઘડિયાળનો ટીકટીક અવાજ સંભળાયો હતો કે બાયજીદને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એમ આપણને પણ આપણી ભીતરનો અવાજ સંભળાઈ શકે.