કોલકાતાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજર હતા. અહીંના કાર્યક્રમમાં તેમણે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિશે પોતાની મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ માટે પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ છે અને વિશ્વભરના હિંદુઓએ તેમની મદદ કરવાનો અનુરોધ કર્યો હતો. બાંગ્લાદેશમાં અત્યારે હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે વિપક્ષી પાર્ટી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવતું નથી. જોકે, આરએસએસ પ્રમુખે આ મામલે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયાનક હિંસા ભડકી રહી છે, જેમાં હિંદુ ધર્મના લોકોને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બે દિવસ પહેલા જ એક હિંદુ યુવાનની હત્યા કરીને તેના મૃતદેહને જાહેરમાં બાળવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે મોહન ભાગવતનું નિવેદન મહત્વનું માનવામાં આવે છે. બાંગ્લાદેશ હિંદુઓ પર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, જેથી મોહન ભાગવતે આ મામલે ચિંતા વ્યક્તિ કરી અને હિંદુઓને એક થવા માટે અપીલ કરી હતી.
સુરક્ષા માટે બાંગ્લાદેશી હિંદુઓએ એક થવું પડશે
ભાગવતે કહ્યું કે, ‘તેઓ (હિંદુઓ) ત્યાં લઘુમતી છે અને પરિસ્થિતિ ખૂબ જ કઠિન છે. જો કે આ મુશ્કેલ છે, પરંતુ પોતાની સુરક્ષા માટે ત્યાંના હિંદુઓએ એક થવું પડશે. વિશ્વભરના હિંદુઓએ તેમની મદદ કરવી જોઈએ. આપણે પણ અહીંથી જેટલી શક્ય થાય તેટલી મદદ કરવી જોઈએ. આપણે આપણાંથી જે પણ થઈ શકે તે બાંગ્લાદેશના હિંદુઓ માટે કરવું પડશે. એટલું જ નહીં, પરંતુ વિશ્વમાં જેટલા પણ હિંદુઓ છે તેમને પણ બાંગ્લાદેશના હિંદુઓની મદદ કરવા માટે આવવું જોઈએ તેવું મોહન ભાગવતે આહ્વાન કર્યું છે.
બંગાળમાં પણ હિંદુ સમાજે એક થવાની જરૂર છે
હિંદુઓ માટે એકમાત્ર દેશ ભારત છે. ભારત સરકારે આ મામલે ધ્યાન દેવાની જરૂર છે. બાંગ્લાદેશના હિંદુઓ માટે ભારત સરકારે બનતા દરેક પ્રયત્નો કરવા જોઈએ. કદાચ તેઓ પહેલેથી જ કંઈક કરી રહ્યા હોય. કેટલીક બાબતોનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો તો કેટલી બાબકો મામલે કોઈ વિગતો જાહેર નથી, પણ કંઈક તો કરવું જ પડશે.
પોતાના ભાષણ દરમિયાન મોહન ભાગવતે બંગાળ મામલે પણ એક નિવેદન આપ્યું કે ,બંગાળમાં પણ હિંદુ સમાજે એક જવાની જરૂર છે .જો હિંદુઓ એક થશે તો પરિસ્થિતિમાં ઝડપી બદલાવ આવશે. રાજકીય બાબતે બોલવાની મોહન ભાગવતે ના પાડી અને કહ્યું કે, સંઘ સામાજિક પરિવર્તન માટે કામ કરી રહ્યું છે.