મૃત્યુ આંકમાં વધારો, 29 ઘાયલમાં બાળક સહિત પોલીસ અધિકારીઓનો સમાવેશ
સિડની: ઓસ્ટ્રેલિયાના જાણીતા શહેર સિડનીમાં એક અત્યંત લોહિયાળ ઘટના બની છે, જેને અધિકારીઓએ સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. સિડનીના પ્રખ્યાત 'બોન્ડી બીચ' (Bondi Beach) પર આજે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 29 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યહૂદી સમુદાયના પવિત્ર તહેવાર 'હનુક્કા'ના પ્રથમ દિવસે જ આ હુમલો કરીને ભીડને નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર ઓસ્ટ્રેલિયા અને વિશ્વને હચમચાવી દીધું છે.
તપાસમાં આ હુમલા પાછળ પાકિસ્તાની કનેક્શન બહાર આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય હુમલાખોરની ઓળખ 24 વર્ષીય નવીદ અકરમ તરીકે થઈ છે, જે મૂળ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે. તે સિડનીની અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તેની તસવીરોમાં તે પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન એક શૂટરનું મોત નીપજ્યું હતું, જ્યારે નવીદ અકરમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
હુમલાખોરો માત્ર આધુનિક હથિયારો જ નહીં, પરંતુ મોટા પાયે વિનાશ વેરવાના ઈરાદે આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને એક કારમાંથી અનેક આઈઈડી મળી આવ્યા છે, જેને બોમ્બ ડિસ્પોઝલ યુનિટ દ્વારા નિષ્ક્રિય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મામલે NSW પોલીસ કમિશનર માલ લેન્યોને જણાવ્યું હતું કે, જે પ્રકારે હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે આતંકવાદી હુમલો હોવાના પુરાવા આપે છે.
આ હુમલામાં સામાન્ય નાગરિકોની સાથે સાથે સુરક્ષાકર્મીઓ પણ ભોગ બન્યા છે. ઘાયલ થયેલા 29 લોકોમાં એક નાના બાળકની સાથે બે પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે, જેમની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી છે. ઉશ્કેરાયેલા સ્થાનિકોને કમિશનરે અપીલ કરી છે કે આ સમય બદલાનો નથી પરંતુ તપાસ એજન્સીઓને સાથ સહકાર દેવાનો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ કાવતરામાં અન્ય કોઈ ત્રીજો હુમલાખોર કે સાથીદાર સામેલ હતો કે કેમ.
2023ના હુમલા પછી ફરી એટેકનો ભોગ બન્યો યહૂદી નેતા
સૌથી ચોંકાવનારી વાત એ છે એક યહૂદી સમુદાયની એક વ્યક્તિ એવી બચી છે જે 7 ઓક્ટોબર 2023માં પેલેસ્ટાઈનના હુમલામાં ઘવાયો હતો. આજના હુમલામાં યહૂદી સમુદાયના અર્સેન ઑસ્ટ્રોવ્સ્કી ઘવાયા છે, જે યહૂદી સમુદાયના મુખ્ય નેતા પણ છે. માથામાં ઇજા પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બે સપ્તાહ પહેલા પરિવાર સાથે રજાઓ વિતાવવા ઑસ્ટ્રેલિયા આવેલા અર્સેલએ કહ્યું કે અહીં આ પ્રકારનો આંતકી હુમલો થયા એવું વિચાર્યું નહોતું.