મુંબઈ: ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના નબળા પ્રદર્શનને કારણે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સવાલોના ઘેરામાં છે, તેઓ સતત ટીકાનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એવા પણ અહેવાલો પ્રકાશિત થયા હતાં કે BCCI વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમના કોચની જવાબદારી સોંપવા વિચારી રહી છે, એવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર મોન્ટી પાનેસરે ગંભીરે રણજી ટ્રોફી ટીમનું કોચિંગ સલાહ આપી છે.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા ભૂતપૂર્વ સ્પિન બોલર મોન્ટી પાનેસરે કહ્યું કે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પોતે મજબુત કોચ છે એ ગંભીરે સાબિત કર્યું છે. તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ અને T20 એશિયા કપ જેવી ટુર્નામેન્ટ જીતી.
રણજીમાંથી આ શીખવા મળશે:
રેડ બોલ ક્રિકેટમાં ગૌતમ ગંભીરના કોચિંગ પર સવાલ ઉઠાવતા મોન્ટી પાનેસરે કહ્યું ગૌતમ ગંભીર રણજી ટ્રોફી ક્રિકેટમાં કોચિંગ કરી શકે છે અને રેડ બોલ ક્રિકેટમાં સફળ ટીમ કેવી રીતે બનાવવી અને તેનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવા મળશે, ગંભીર ડોમેસ્ટિક ક્રિકેટના કોચ સાથે વાતચીત કરી શકે છે.
પાનેસરે એમ પણ કહ્યું કે એ વાસ્તવિકતા છે, રેડ બોલમાં ગંભીરનું કોચિંગ એટલું મજબૂત નથી. તેમાં સમય લાગશે. જ્યારે ત્રણ મોટા ખેલાડીઓને નિવૃત્ત થાય છે, ત્યારે બાકીના ખેલાડીઓને તૈયાર કરવા મુશ્કેલ બની જાય છે.
એક વર્ષમાં બે વ્હાઇટવોશ:
નોંધનીય છે કે તાજેતરમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમની 0-2થી કારમી હાર થઇ હતી, એક વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમનો આ બીજો વ્હાઇટવોશ હતો.
તાજેતરના અહેવાલ મુજબ BCCIએ ટેસ્ટ ટીમનું કોચિંગ સાંભળવા માટે વીવીએસ લક્ષ્મણનો અનૌપચારિક સંપર્ક કર્યો હતો. જોકે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આવ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતાં.
લક્ષ્મણે ઓફર ના સ્વીકારી:
રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયા પછી BCCIએ ગત જૂન મહિનામાં લક્ષ્મણને કોચ બનવા માટે ઓફર કરી હતી, એ વખતે પણ તેમણે ઓફરનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હાલ તેઓ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ના વડા તરીકેની ભૂમિકા નિભાવવા ઈચ્છે છે.