કેનવાસ - અભિમન્યુ મોદી
અઢારમી સદીના લંડનમાં ‘સારા ઘરના’ મોભીઓ તેના પરિવારને બેડ્લેમ લઇ જતા. બેડ્લેમ એટલે બેથ્લેમ રોયલ હોસ્પિટલ. આજે પણ ત્યાં સાયકિયાટ્રીક હોસ્પિટલ કાર્યરત છે, પણ અઢીસો વર્ષ પહેલા લંડનના ઉમરાવો કે સુખી ઘરના લોકો તે હોસ્પિટલને મ્યુઝિયમ સમજીને ત્યાં આંટો મારતા. કેમ? ત્યાંના પેશન્ટને જોઈને હસવા માટે.
હમણાં સુધી અને અમુક દેશોમાં આજે પણ લોકો શહેરના ચોકમાં ભેગા થાય છે- ફાંસીની સજા જોવા માટે કે પથ્થરમારો કરીને કોઈને મારી નાખવામાં આવતું હોય એ જોવા માટે. ચપ્પલનો હાર પહેરાવવો કે મોઢું કાળું કરીને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવાની સજાઓ આપણે વાર્તાઓમાં ને પ્રસંગોમાં સાંભળી છે એ માનવજાતની જૂની ં પ્રેક્ટિસ છે. ગુનેગારને અપાતી સજા શું એ કંઈ જોવાની ચીજ છે? લોકો આવા હિંસક અને અમાનવીય દ્રશ્યો જોવા માટે ભેગા કેમ થતા? કોઈને તરફડતા જોવાની થ્રિલ આવે એટલા માટે? તો કોઈનું અપમાન જોઇને પોતે બચી ગયા અને પોતે બેહતર ઇન્સાન છે એવી ગુરુતાગ્રંથિ પોષાય એટલા માટે.
એ સમય પછી છાપા અને ચોપાનિયા શરૂ થયા. સમાચાર પત્રિકાઓમાં મોટા મોટા અક્ષરે હેડલાઈન છપાતી. પછી ટીવી ચેનલો શરૂ થઇ. પહેલા દૂરદર્શન ઉપર અડધી કલાકના ન્યુઝ આવતા તો હવે ચોવીસ કલાક ચાલતી ન્યુઝ ચેનલ છે. એમાં ડિબેટ કલ્ચર આવ્યું, જેમાં એન્કર ખુદ ચીસાચીસી કરતો હોય. યલો જર્નાલીઝમનો યુગ અમેરિકા અને યુરોપે જોયો. પછી ઈન્ટરનેટ આવ્યું. ઈન્ટરનેટમાં ધીમે ધીમે દુનિયાના બધા છેડાઓ એકબીજા સાથે કનેક્ટ થવા લાગ્યા. ઈન્ટરનેટની સ્પીડ વધી. જેમ અંધારી આલમ અને અન્ડરવર્લ્ડ હોય એમ ઈન્ટરનેટમાં પણ ડાર્ક વેબ વિકસવા લાગ્યું. સોશ્યલ મીડિયાને કારણે જેને ઇન્ટરનેટની જરૂર ન હતી એ જાતકો પણ ઈન્ટરનેટ વાપરવા માંડ્યા. સ્માર્ટફોન આવ્યા અને કેમેરા પાવરફુલ થતા ગયા. સેલિબ્રિટી અને ચકો-મકો બધા એક જ પ્લેટફોર્મ ઉપર ભેગા થયા. એમાંથી અલ્ગોરિધમની આખી માયાજાળ વિકસી.
2025 માં એક વિશ્વ પ્રતિષ્ઠિત ડિક્ષનરીએ ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કર્યો : ‘રેજ બેઈટ’ (ગુજરાતી લેક્સિકોન મુજબ : ‘રેજ બેટ’) સ્ક્રોલ કરતા કરતા જે વાત ગુસ્સો પ્રેરે તેને રેજ બેઈટ કહે છે. માનવજાતનો વિકાસ જુઓ. એક શહેરના એક પાગલખાનાથી લઈને દરેક શહેરના દરેક ગામની નાની ઝૂંપડી સુધીના લોકો વિકૃત આનંદ લેતા થઇ ગયા. આ માનવજાતની પ્રગતિ છે કે ખીણમાં ગતિ? આવું વાંચીને દરેક વાચક એવું વિચારે છે કે- ‘આ તો દુનિયા ખરાબ થઇ ગઈ છે, હું તો આવો/વી નથી.’ અને અહીંથી જ સમસ્યા ઊભી થાય છે.
ટાઈમપાસ કરવા માટે કે આદતવશ તમે તમારો ફોન ફક્ત પાંચ મિનિટ માટે ઓપન કરો છો અને વિઝ્યુઅલ્સ અને લખાણની એવી હારમાળા શરૂ થઇ જાય છે જે તમારા દિમાગને વશમાં કરી લે છે. ‘તમે આવું ચોંકાવનારું દ્રશ્ય ક્યારેય નહિં જોયું હોય..’, ‘તમે નહિં માનો પણ આપણા જ રાજ્યમાં ગયા વર્ષે...’, ‘એક દીકરાએ એની સગી માને..’ આ પ્રકારની ઉત્સુકતા જગાવતી હેડલાઈન્સ વીડિયો ઉપર મૂકી હોય. માણસને એ જોવાનું મન થાય કે એવું તો શું થયું હશે. માણસને એવું લાગે કે એને તો જિજ્ઞાસા છે- કુતૂહલવૃત્તિ છે, પણ એ એક પોસ્ટ જુએ, એના પછી બીજી રીલ જુએ ને ત્રીજો વીડિયો જુએ. નેવું તરી ત્રણ સેક્ધડ એટલે કે સાડા ચાર મિનિટની અંદર એના મગજના અંત:સ્ત્રાવો સાવ બદલાઈ ગયા હોય, એની અંદરની લાગણીના ભાવો તો તદ્દન વિપરીત થઇ ગયા હોય, પાંચ મિનિટ પહેલાના ભાવથી સાવ વિપરીત. ધીમે ધીમે એમાં ધર્મની વાત, લગ્નની વાત, શાસન વ્યવસ્થાની વાત, કોઈ સેલિબ્રિટીની ગેરવર્તણૂકની વાત આવી હોય... આવી બધી વાતો અંદરથી ગુસ્સો અને અસંતોષ જગાડે. પાંચ મિનિટ પહેલા જે માણસ સાવ નોર્મલ હતો એ હવે એન્ગ્રી મેન બની ગયો છે. એને એમ છે કે એ પોતે જાતે સ્વબળે અને સ્વેચ્છાએ સ્ક્રોલીંગ કરી રહ્યો છે , પણ નહિં એક ચોક્કસ પ્રકારનું ગણિત તેને અમુક પ્રકારનું કોન્ટેન્ટ ફોર્સફૂલી બતાવીને તેનામાં અશાંતિ સર્જી રહ્યું છે. આવું દુનિયામાં કરોડો નહિ , પણ અબજો લોકો સાથે થવા લાગ્યું છે માટે જ પહેલા ‘ વર્ડ ઓફ ધ ય’ ર સેલ્ફી કે ઈમોજી જેવા ક્યુટ શબ્દો બનતા પણ હવે છે રેજ બેટ... ગુસ્સો પ્રગટાવવા માટેનું જાણે છટકું!
શું આ બધું ઉપર બેઠા બેઠા માર્ક ઝુકરબર્ગ કે ઈલોન મસ્ક કે રોથશાઈલ્ડ કરી રહ્યા છે? ના, આ માણસો પોતે નોતરી રહ્યા છે. આ પ્રકારના તીવ્ર રસમાં માણસને વધુ રસ પડે છે. જેમાં રસ વધુ પડે એવી સામગ્રી નજર સામે વધુને વધુ આવે. કમળો હોય એને પીળું દેખાય- આ જૂની કહેવત એમનેમ તો પડી ન હતી. આ કોઈ ડિજિટલ ડિસીઝ નથી, આ વાસ્તવિક સનેપાત છે. સિતેરના દાયકામાં હજારો લોકોનો સર્વે થયો હતો એમાં એ લોકો ખરેખર એવું માનતા કે દુનિયા બહુ ખરાબ છે. શું કામ? કારણ કે એ લોકો ટીવીમાં કે વીડિયો ગેમમાં મારધાડ વાળું સાહિત્ય વધુ જોતાં માટે. આતંકવાદીઓને પોતાની કોમ્યુનિટી જોખમમાં લાગે છે એના જેવું. ગુસ્સામાં મજા આવે છે માટે જ તો પબ્લિક કોઈ ફિલ્મ ગમવા પર કે કોઈ ફિલ્મ ના ગમવા જેવી વાત પર ગુસ્સે થઈને ટ્રોલિંગ કરવા લાગે ને બોયકોટની કમેન્ટસ ચાલુ કરી દે છે. અર્જુન કપૂરને ગાળો દેવામાં પોતે સુપિરિયર છે એવી લાગણી થાય માટે બધા પોતાની હતાશા જાહેરમાં ઉતારે છે..
જૈન દર્શનમાં ક્રોધને મહાપાપ કહ્યું છે. ગીતામાં કહ્યું છે કે મોહમાંથી મહેચ્છા જન્મે અને મહેચ્છા પૂરી ન થાય તો ગુસ્સો આવે. ગુસ્સો ભ્રમ અને અસત્ય તરફ દોરી જાય અને છેવટે અસત્ય વિનાશ વેરે. ભારતીય સંસ્કૃતિ મોહને પણ સદગુણ સમજતી નથી જ્યારે આ તો ગુસ્સો છે અને એ ગુસ્સાના ભાવમાં આખી દુનિયા રચીપચી રહે છે. બુદ્ધે કહ્યું હતું કે ગુસ્સો કરવો એટલે સળગતો કોલસો હાથમાં લઈને કોઈને મારવા જવું.... બોલો, આમાં પહેલા કોણ દાઝશે?