નર્મદાઃ જિલ્લા ભાજપમાં ઉકળતો ચરુ હોય તેમ સાંસદ અને ધારાસભ્યએ સામ સામે આવી ગયા હતા. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ નાંદોદના ભાજપના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ મૌન તોડ્યું હતું.
શું છે સમગ્ર મામલો
મનસુખ વસાવાએ તાજેતરમાં એક નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં ધારાસભ્ય દર્શના દેશખમુખે આક્ષેપો સાબિત કરો નહીંતર માનહાનિનો દાવો કરીશ તેવો પડકાર ફેંક્યો હતો. તેમણે દાવો કર્યો કે, મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો કે તેમને આપના ધારાસભ્ય ચૈકર વસાવા સાથે સાંઠગાંઠ છે. મનસુખ વસાવાને ચૈતર વસાવા સાથે ઘરનો સંબંધ છે, મારે તો નાહવા નિચોવાનો પણ સંબંધ નથી. ભ્રષ્ટાચારની વાત તે સાબિત કરી, નહીં તો હું તેમની સામે માનહાનિનો દોવો કરીશ.
ભાજપના સાંસદ મનસુખ વસાવા કોઈને કોઈ વિવાદના કારણે સતત સમાચારોમાં ચમકતા રહે છે. થોડા સમય પહેલા તેમણે કોઈ નેતા કે વ્યક્તિનું નામ લીધા વિના તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ પહેવીલાર નથી, અગાઉ પણ વસાવાએ પોતાના જ પક્ષ વિરુદ્ધ આક્ષેપો કરતા પત્રો લખ્યા છે અને તે જાહેર પણ થઈ ચૂક્યા છે.
નર્મદા જિલ્લાના પક્ષના કાર્યાલયમાં જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આક્ષેપો કર્યા હતા કે છેલ્લા કેટલાક સમયથી આપની ટીમ ઠેર ઠેર પોતાના એજન્ટો મૂકે છે અને વિકાસના કામોની નાની નાની ભૂલો કાઢી સોશિયલ મીડિયામાં વાતો વહેતી કરે છે અને પછીથી અધિકારીઓ પાસેથી કોઈપણ રીતે તોડ કરે છે. વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં બધા જ રાજકીય પક્ષોની મિલીભગત છે. જોકે વસાવાએ એકપણ નેતાનું નામ આપ્યું ન હતું કે ખુલીને કોઈ વિગતો આપી ન હતી.
આ પહેલા મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, એક વર્ષ પહેલાં આપના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) પાસેથી રૂ. 50 લાખનો તોડ કર્યો હતો. હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો. જેની સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનિનો કેસ કરીશ.