Thu Jan 01 2026

Logo

White Logo

વર્લ્ડ નંબર-વન રોહિતની વિકેટ લેનાર દેવેન્દ્ર બોરા કોણ છે? : વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતના વિશાલ જયસ્વાલ વિશે પણ જાણી લો...

5 days ago
Author: Ajay Motiwala
Video

જયપુર/બેંગલૂરુઃ બુધવાર, 24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મૅચમાં 155 રન કરવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો, પણ શુક્રવારે ગોલ્ડન ડક (Golden Duck) સાથે (પોતાના પહેલા જ બૉલમાં) આઉટ થઈ ગયો એટલે તેની વિકેટ લેનાર ઉત્તરાખંડનો પચીસ વર્ષીય બોલર દેવેન્દ્રસિંહ બોરા (Bora) ટૉક ઑફ ધ ટાઉન થઈ ગયો છે. એવી જ રીતે, બેંગલૂરુમાં ગુજરાતની ટીમના 27 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલ ચર્ચા થવા લાગી છે, કારણકે શુક્રવારે બેંગલૂરુમાં તેણે જબરદસ્ત ફૉર્મમાં રમી રહેલા દિલ્હીના વર્લ્ડ નંબર-ટૂ વન-ડે બૅટ્સમૅન વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. માત્ર વિરાટ નહીં, વિશાલે પછીથી દિલ્હીના કૅપ્ટન રિષભ પંતને પણ આઉટ કરી દીધો હતો.

ઘણા પ્રેક્ષકોના આગમન પહેલાં જ રોહિતનો ગોલ્ડન ડક

જયપુરના જગવિખ્યાત સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં મુંબઈનો કૅપ્ટન શાર્દુલ ઠાકુર અને ઉત્તરાખંડનો સુકાની કુણાલ ચંદેલા શુક્રવારે સવારે 8.30 વાગ્યે ટૉસ માટે મેદાન પર ઊતર્યા હતા. ચંદેલા ટૉસ જીત્યો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈને પહેલા બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યું એટલે સ્વાભાવિક છે કે પ્રેક્ષકોએ રોહિત શર્માની આતશબાજી ક્યારે શરૂ થાય એની રાહ જોઈ હશે. સવારે 9.00 વાગ્યાનો સમય હતો એટલે હજી તો ઘણા પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવ્યા પણ નહોતા. 9.00 વાગ્યે મૅચ શરૂ થઈ ત્યારે અનેક પ્રેક્ષકો હજી પોતાની સીટ સુધી પણ નહોતા પહોંચ્યા ત્યાં તો પેસ બોલર દેવેન્દ્ર બોરાની (મૅચની) પહેલી ઓવરના છઠ્ઠા બૉલમાં રોહિતે (પોતાના પ્રથમ બૉલમાં) વિકેટ ગુમાવી દીધી હતી. તે પુલ શૉટ મારવાના પ્રયાસમાં બાઉન્ડરી લાઇન નજીક ઊભેલા ફીલ્ડરને સીધો કૅચ આપી બેઠો હતો. રોહિતના એ ગોલ્ડન ડક વિશે તરત જ સોશ્યલ મીડિયામાં કમેન્ટ્સ આવવા લાગી હતી.

કોણ છે રોહિતને કૅચઆઉટ કરાવનાર દેવેન્દ્ર બોરા?

રોહિત (Rohit)ના ગોલ્ડન ડક માટે જવાબદાર પેસ બોલર દેવેન્દ્ર બોરા ઉત્તરાખંડનો છે. તેણે શુક્રવારે જયપુરમાં રોહિત ઉપરાંત સિદ્ધેશ લાડ (21 રન) અને શમ્સ મુલાની (48 રન)ની પણ વિકેટ લીધી હતી. બોરા આ મૅચ પહેલાં ફક્ત બે લિસ્ટ-એ વન-ડે મૅચ રમ્યો હતો. તેણે ઉત્તરાખંડ વતી 15 ફર્સ્ટ-ક્લાસ સ્તરની મૅચમાં કુલ 30 વિકેટ લીધી છે. બે મહિના પહેલાં તેણે રણજી ટ્રોફીમાં બેંગાલ સામેની મૅચમાં 79 રનમાં છ વિકેટ લીધી હતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં એ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. બોરાને ઉત્તરાખંડ પ્રીમિયર લીગના શાનદાર પર્ફોર્મન્સે લીધે જ રાજ્યની ટીમમાં સ્થાન મળ્યું છે.

વિરાટની વિકેટ લેનાર ગુજરાતનો સ્પિનર કોણ છે?

બેંગલૂરુમાં શુક્રવારે વિરાટ કોહલી (Virat Kohli)એ વધુ એક ધમાકેદાર ઇનિંગ્સમાં 77 રન કર્યા હતા. બુધવારે આ જ મેદાન પર દિલ્હી વતી મૅચ-વિનિંગ 131 રન કરનાર વિરાટે શુક્રવારે ગુજરાત સામેની મૅચમાં 77 રન કર્યા હતા. તેણે પહેલાં 53માંથી 50 રન ચોક્કા-છગ્ગામાં બનાવ્યા હતા. તેણે 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને 77મા રન પર વિકેટ ગુમાવી દીધી હતી. તે ગુજરાતના 27 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલનો ટર્ન સમજી નહોતો શક્યો અને રાજ્યની ટીમના જાણીતા વિકેટકીપર ઉર્વિલ પટેલના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો. વિરાટે 77 રન 61 બૉલમાં બનાવ્યા હતા.

વિશાલ-ઉર્વિલની જુગલબંધીને લીધે જ વિરાટ સતત બીજી મૅચમાં સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. વિશાલે વિરાટની પહેલાં અર્પિત રાણા (10 રન) અને નીતીશ રાણા (12 રન)ને પણ આઉટ કર્યા હતા અને વિરાટની વિકેટ બાદ દિલ્હીના કૅપ્ટન રિષભ પંત (70 રન, 79 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ને પણ આઉટ કરી દીધો હતો. આમ, વિશાલે દિલ્હીના ચાર પ્લેયરને પૅવિલિયનમાં પાછા મોકલ્યા હતા. વિશાલ જયસ્વાલ બૅટિંગ-ઑલરાઉન્ડર છે. તેણે ગુજરાત વતી 11 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં એક સેન્ચુરીની મદદથી કુલ 370 રન કર્યા છે અને 40 વિકેટ લીધી છે. તેણે ઑક્ટોબર, 2022માં ગુજરાત વતી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં નવમા ક્રમે બૅટિંગ કરીને ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે ગોલ્ડન ડકમાં (પોતાના પહેલા જ બૉલમાં) આઉટ થઈ ગયો હતો અને એ મૅચમાં તેને બોલિંગ નહોતી મળી. ત્રણ વર્ષમાં તેણે ગુજરાતની ટીમ વતી કુલ 64 વિકેટ લીધી છે.