Thu Jan 01 2026

Logo

White Logo

પુત્ર માટેની કાતિલ ઝંખના : કલંબોલીમાં માતાએ છ વર્ષની પુત્રીને મારી નાખી

4 days ago
Author: Yogesh D Patel
Video

નવી મુંબઈ: નવી મુંબઈના કલંબોલી વિસ્તારમાં ઘરમાં મંગળવારે છ વર્ષની બાળકી મૃત અવસ્થામાં મળી આવ્યાના ત્રણ દિવસ બાદ તપાસમાં સામે આવ્યું હતું કે બાળકીની માતાએ જ ગળું દબાવીને તેની હત્યા કરી હતી. માતાને પુત્ર જોઇતો હતો અને તેણે પુત્રીને અનેકવાર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મંગળવારે રાતે આ ઘટના બની હતી. છ વર્ષની બાળકી માનસીના સોફ્ટવેર એન્જિનિયર પિતા કામેથી ઘરે આવ્યા ત્યારે તેણે માનસીને તેની માતા સુપ્રિયા પ્રમોદ મ્હામુણકર (30) સાથે બેડ પર જોઇ હતી. શરૂઆતમાં તેને લાગ્યું કે માનસી સૂઇ ગઇ છે. પોતે કામેથી ઘરે આવે ત્યારે માનસી હંમેશાં જાગતી રહેતી હતી. પિતાને શંકા જતાં તેણે માનસીને જગાડી હતી, પણ તે જાગી નહોતી.

માનસીના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસી તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો, જેના અહેવાલમાં બાળકીનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બાદમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, જેમાં સુપ્રિયાએ માનસીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આથી શુક્રવારે સુપ્રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતે તેને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સુપ્રિયાને માનસી પ્રત્યે ગુસ્સો  હતો, કારણ કે તે પુત્ર ઇચ્છતી હતી. એવા પુરાવા છે કે બાળકીના જન્મથી જ તે નાખુશ હતી. તેણે વારંવાર પુત્રની ઇચ્છા વ્યક્ત કરી હતી. માનસી મરાઠીમાં યોગ્ય રીતે વાત કરી શકતી ન હોવાથી તેને એ વાત ગમતી નહોતી. સુપ્રાયાએ અનેકવાર માનસીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, એવું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે બાળકીના પિતા તથા અન્યોનાં નિવેદન નોંધ્યાં હતાં.