નાંદેડ: નાંદેડ જિલ્લામાં બે કરોડ રૂપિયાના આર્થિક વિવાદમાં ગનપૉઈન્ટ પર એનસીપીના નેતાનું કથિત અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બનતાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.
નાંદેડ મહાપાલિકાના ભૂતપૂર્વ વિરોધી પક્ષ નેતા જીવન ઘોગરેનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતું. ઘોગરેએ પોતાના પરના હુમલા માટે લોહા મતવિસ્તારના વિધાનસભ્ય પ્રતાપરાવ ચિખલીકર પર આક્ષેપ કર્યા હતા. ચિખલીકર પણ એનસીપીના નેતા છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના એનસીપી જૂથના ચિખલીકરે ઘોગરેના આક્ષેપોને નકારી કાઢી આ રાજકીય કાવતરું હોવાનું જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારની બપોરે ઘોગરે તેની ઈનોવા કારમાં જતો હતો ત્યારે જ્ઞાનેશ્ર્વર નગર વિસ્તારમાં તેની કારને આંતરવામાં આવી હતી. સ્કોર્પિયો કારમાં આવેલા લોકોએ ઘોગરેની કાર પર પથ્થરમારો કર્યો હતો. પછી આરોપીઓ જબરદસ્તી ઘોગરેને તેમની સ્કોર્પિયોમાં બેસાડી લઈ ગયા હતા.
દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ શોધે તે પહેલાં ઘોગરેએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઘોગરેએ દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરાયું નથી, પણ સ્વેચ્છાએ વ્યવસાય અર્થે તે ગયો છે. જોકે પોલીસને શંકા જતાં તપાસ ચાલુ રાખવામાં આવી હતી.
પછી ઘોગરે જખમી હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે અપહરણકારો તેને ગનપૉઈન્ટ પર લઈ ગયા હતા અને પોતે સુરક્ષિત હોવાનો ખોટો દાવો કરવા મજબૂર કરાયો હતો.
આ પ્રકરણે અપહરણ અને મારપીટ કરવા બદલ સાત જણની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલાઓની ઓળખ શુભમ સુનેવાડ, રાહુલ દાસરવડ, કૌસ્તુભ રણવીર, વિવેક સૂર્યવંશી, માધવ વાઘમારે, મોહમ્મદ અફરોઝ અને દેવાનંદ ભોલે તરીકે થઈ હતી.
આ હુમલામાં હાલના વિધાનસભ્ય ચિખલીકર અને એક ભૂતપૂર્વ ધારાસભ્યનો હાથ હોવાનો દાવો ઘોગરેએ કર્યો હતો. લાંબા સમય પૂર્વેના આર્થિક વ્યવહાર અને રાજકીય વેરઝેરમાંથી આ હુમલો કરાયો છે. આ નેતાઓ દ્વારા પોતાને અને પોતાના પરિવારને ધમકી મળી રહી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. (પીટીઆઈ)