Tue Dec 16 2025

Logo

White Logo

કુન્ડુની કમાલ, રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારી: : ભારતનો વિક્રમી 315 રનથી વિજય...

dubai   4 hours ago
Author: Ajay Motiwala
Video

દુબઈઃ અહીં અન્ડર-19 એશિયા કપમાં ભારતના 17 વર્ષીય વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ (209 અણનમ, 125 બૉલ, નવ સિક્સર, સત્તર ફોર)એ કમાલ કરી છે જેમાં તે અન્ડર-19 સ્તરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌપ્રથમ ડબલ સેન્ચુરિયન બન્યો છે. મલયેશિયા સામે તેના અણનમ 209 રનની મદદથી ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 408 રન કર્યા હતા અને ત્યાર બાદ મલયેશિયાની ટીમ માત્ર 32.1 ઓવરમાં ફક્ત 93 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો 315 રનના બીજા નંબરના વિક્રમજનક માર્જિનથી વિજય થયો હતો.

ભારતનો વિક્રમી વિજયી માર્જિન 326 રનનો છે જે 2022માં ભારતે યુગાન્ડા સામેની મૅચમાં નોંધાવ્યો હતો. કુન્ડુ (KUNDU)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. વિશ્વભરની અન્ડર-19 ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના જૉરિક સ્કૉલવીકના 215 રન હાઇએસ્ટ છે. ભારતીય ટીમ અન્ડર-19 એશિયા કપ (ASIA CUP)ના ગ્રૂપ-એમાં છ પૉઇન્ટ સાથે મોખરે છે.

કુન્ડુની ડબલ સેન્ચુરીને પરિવારે ખૂબ માણી

દુબઈ (DUBAI)માં અભિજ્ઞાન કુન્ડુ મલયેશિયાના તમામ બોલર્સની ખબર લઈ રહ્યો હતો ત્યારે મેદાનની બહાર પરિવારજનો તેમના આ લાડકવાયાની બૅટિંગ માણી રહ્યા હતા અને તેણે 200 રનની સિદ્ધિ મેળવી ત્યારે પરિવારજનોએ બૂમો પાડીને તેને અભિનંદન આપ્યા હતા.

અમદાવાદના વેદાંતના 90, વૈભવના 50

દુબઈમાં ભારતને 7/408નું તોતિંગ ટોટલ અપાવવામાં અમદાવાદના 18 વર્ષીય વેદાંત ત્રિવેદી (90 રન, 106 બૉલ, સાત ફોર) અને 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (50 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા. વૈભવની વિકેટ મલયેશિયાના મુહમ્મદ અકરમે લીધી હતી, જ્યારે વેદાંતની વિકેટ ભારતીય મૂળના બોલર જાશ્વીન ક્રિષ્નમૂર્તિએ લીધી હતી. ખરેખર તો મુહમ્મદ અકરમે કુલ પાંચ વિકેટ લીધી હતી.

કુન્ડુ-વેદાંતની 209ની ભાગીદારી

મુંબઈ અન્ડર-19 વતી રમી ચૂકેલા અભિજ્ઞાન કુન્ડુ અને અમદાવાદના વેદાંત ત્રિવેદી વચ્ચે ચોથી વિકેટ માટે 209 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. વૈભવ ત્રીજી વિકેટના રૂપમાં 87 રનના કુલ સ્કોર પર આઉટ થયો ત્યાર બાદ ચોથી વિકેટ છેક 296 રનના સ્કોર પર પડી હતી.

ભારતના દીપેશની બાવીસ રનમાં પાંચ વિકેટ

મલયેશિયાની ટીમને ફક્ત 93 રનમાં ઑલઆઉટ કરાવવામાં 17 વર્ષના મિડિયમ પેસ બોલર દીપેશ દેવેન્દ્રનનું સૌથી મોટું યોગદાન હતું. તેણે ફક્ત બાવીસ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ઉધવ મોહનને બે વિકેટ તેમ જ મોડાસાના ખિલાન પટેલ સહિત ત્રણ બોલરે એક-એક વિકેટ લીધી હતી. મલયેશિયાના ત્રણ બૅટ્સમેન શૂન્યમાં આઉટ થઈ ગયા હતા. હમઝા પન્ગી નામના પ્લેયરના 35 રન ટીમમાં હાઇએસ્ટ હતા.