નવી દિલ્હી: ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અને વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખુબ જ ઘટી ગઈ છે, જેની સીધી અસર રેલવે અને હવાઈ સેવાઓ પર પડી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 110થી વધુ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે, જ્યારે ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટ્સના ઉડાન ભરવામાં પણ વિલંબ થયો છે.
પ્રીમીયમ ટ્રેન સેવામાં પણ વિલંબ
રેલવે વ્યવહાર પર પડેલી અસરની વાત કરીએ તો, મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઉંચાહાર એક્સપ્રેસ લગભગ 11 કલાક અને રીવા આનંદ વિહાર એક્સપ્રેસ 9 કલાક જેટલી મોડી ચાલી રહી છે. આ ઉપરાંત, પ્રીમિયમ ગણાતી ન્યુ દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ અને સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનો પણ 5 થી 6 કલાકના વિલંબથી દોડી રહી છે. અંદમાન એક્સપ્રેસ, જેલમ એક્સપ્રેસ અને જમ્મુ તવી હમસફર જેવી ટ્રેનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
31 ડિસેમ્બર સુધી ધુમ્મસનું જોર
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં પરિસ્થિતિ હજુ સુધરે તેવી શક્યતા ઓછી છે. વિભાગનું કહેવું છે કે 31 ડિસેમ્બર સુધી ધુમ્મસનું જોર યથાવત રહેશે. આથી, આગામી દિવસોમાં પણ ટ્રેનો અને ફ્લાઈટ્સના શિડ્યુલ પર આની ગંભીર અસર જોવા મળી શકે છે. મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન કરતી વખતે આ વિલંબને ધ્યાનમાં રાખવાની જરૂર છે.