Mon Dec 08 2025

Logo

White Logo

વિવાદ વચ્ચે સંચાર સાથી એપએ રેકોર્ડ તોડ્યાઃ : 24 કલાકમાં એપના ડાઉનલોડમાં 10 ગણો ઉછાળો

4 days ago
Video

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી 'સંચાર સાથી' એપ ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં ભારત સરકારે દેશમાં વેચતા તમામ સ્માર્ટફોન્સમાં ‘સંચાર સાથી’ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા તમામ ફોન મેન્યુફેક્ચરર્સને નિર્દેશ આપ્યા હતાં. જેની પાછળનો હેતુ દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટેનો હતો. આ નિર્દેશ બાદ સરકાર યુઝરની પ્રાઈવસી સાથે છેડછાડ કરશે એવા આરોપો પણ લાગ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો, પરંતુ આ વિવાદ વચ્ચે પણ 'સંચાર સાથી' એપના ડાઉનલોડના આંકડાઓમાં દસ ગણો વધારો થયો છે.

6 લાખ લોકોએ ડાઉનલોડ કરી એપ

ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યાનુસાર 2 ડિસેમ્બર, 2025ના 'સંચાર સાથી' એપ ડાઉનલોડ કરવાનો આંકડો અચાનક વધીને 6 લાખ સુધી પહોંચી ગયો છે. સામાન્ય દિવસમાં આ આંકડો 60,000 રહેતો હતો. 'સંચાર સાથી' એપ ડાઉનલોડ થવાના આંકડામાં થયેલા એકાએક વધારાને સરકારી આદેશનું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે. 28 નવેમ્બર, 2025ના એક સરકારી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દરેક મોબાઈલમાં 'સંચાર સાથી' એપને પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત કરવામાં આવી હતી. 

એપ ગમે ત્યારે ડિલીટ કરી શકાશે

'સંચાર સાથી' એપને લઈને એક એવો અહેવાલ સામે આવ્યો હતો કે, આ એપને કોઈ પણ સંજોગોમાં ડિલિટ કરી શકાશે નહીં, જેને કારણે વિવાદ સર્જાયો હતો. ટેકનોલોજી અને કાયદાના જાણકારોએ આ નિર્દેશોને નાગરિકોની પ્રાઈવસી સાથે છેડછાડ ગણાવી હતી. 

'સંચાર સાથી' એપના વિવાદને લઈને સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક્સ પર સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે દેશના દરેક નાગરિકોની ડિજિટલ સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ‘સંચાર સાથી’ એપનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિની પ્રાઈવસી જાળવવા અને ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રાખવાનો છે. આ એક સંપૂર્ણપણે સ્વૈચ્છિક સિસ્ટમ છે, યુઝર ઇચ્છે તો એપને એક્ટિવેટ કરી શકે છે અને તેનો લાભ લઇ શકે અને જો યુઝર ઈચ્છે તો તેને ડિલિટ પણ કરી શકાય છે."