ઇમ્ફાલ: લાંબા સમયથી ચાલી રહેલી હિંસાના ઘટનાક્રમને લઈને મણિપુરના તત્કાલિન મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહે ફેબ્રુઆરી 2025માં રાજીનામું આપી દીધું હતી. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આમ, મણિપુર છેલ્લા 11 મહિનાથી રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે. પરંતુ હવે મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસનનો અંત આવશે, એવી શક્યતા જોવા મળી રહી છે.
મણિપુરના નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું
ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાઈ કમાન્ડે તાજેતરમાં મણિપુરના પોતાના વિધાનસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહનો પણ સમાવેશ થાય છે. મણિપુરના પૂર્વ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આશા વ્યક્ત કરી છે કે, રાજ્યમાં જલ્દી એક લોકપ્રિય સરકારના ગઠનની સંભાવના છે.
આ અંગે બીરેન સિંહે મીડિયાને જણાવ્યું કે, "ભાજપ એક નેશનલ પાર્ટી છે. પાર્ટીના કેન્દ્રીય નેતાઓએ મણિપુર રાજ્યના વિધાનસભ્યોને આગામી રવિવારે રાજ્ય સાથે સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા કરવા માટે દિલ્હી બોલાવ્યા છે. મારૂં માનવું છે કે આ મુલાકાત સરકારના પુનર્ગઠન માટે હોઈ શકે છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટી થઈ નથી. અમારા પૈકીના કેટલાક લોકો દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે."
ભાજપ પાસે છે કુલ 37 વિધાનસભ્યો
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2025માં એન. બીરેન સિંહના રાજીનામા બાદ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ મણિપુરની વિધાનસભાનો ભંગ કર્યો હતો અને 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. મણિપુરમાં વિધાનસભાની કુલ 60 બેઠકો છે. ભાજપ પાસે વિધાનસભામાં કુલ 37 વિધાનસભ્યો છે.
મે 2023માં મણિપુરમાં મેઇતી અને કુકી-જો સમુદાય વચ્ચે મોટાપાયે હિંસા ભડકી ઊઠઈ હતી. હિંસાનો આ ઘટનાક્રમ લાંબો સમય ચાલ્યો હતો. જેમાં 260થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે હજારો લોકો ઘરવિહોણા બન્યા હતા.