નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સાંસદ ખેલ મહોત્સવના ગુરુવારના અંતિમ દિને રમતગમત અને ફિટનેસ પરની ચર્ચા દરમ્યાન વર્ચ્યૂઅલી કેટલીક હસ્તીઓ ઉપરાંત બીજા ઘણા ક્ષેત્રના અને સમાજના લોકો સાથે વાતચીત કરી હતી જેમાંની એક ટૂંકી વાતચીત હરિયાણાના યુવાન બૉક્સર નીરજ (Boxer Neeraj) સાથેની હતી જેમાં નીરજે તેમને ખબરઅંતર પૂછ્યા ત્યારે મોદીએ તેને જે જવાબ આપ્યો એ સાંભળીને ખુદ નીરજ સહિત સૌ હસી પડ્યા હતા.
મુક્કાબાજ નીરજ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ડાંગરા ગામનો છે. સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ સમાઇન ગામના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાયો હતો અને ત્યારે મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સમારોહના મહેમાનો સાથે હળવી ચર્ચા કરી હતી.
બૉક્સર નીરજ સાથેની વાતચીતનો વીડિયો ખુદ વડા પ્રધાને પોતાની યુટ્યૂબ ચૅનલ પર અપલોડ કર્યો છે. આ વીડિયો મુજબ નીરજે વડા પ્રધાનને પૂછ્યું સરજી, રામ રામ...હમ સભી કી તરફ સે.' મોદીએ જવાબમાં કહ્યું, નીરજ, રામ રામ.'
નીરજે પીએમ મોદીને વધુ પૂછ્યું, ઔર કૈસે હો?' મોદીએ જવાબમાં કહ્યું, મૈં તેરે જૈસા હી હૂં.' આ સાંભળીને સમારોહમાં બેઠેલા બધા લોકો હસી પડ્યા હતા.
બની શકે કે ` મૈં તેરે જૈસા હી હૂં' એવું કહેવા પાછળનો મોદીનો આશય એવો હશે કે જેમ નીરજે બૉક્સિંગની રિંગમાં હરીફ સાથે લડવાનું હોય છે એમ મોદીએ પણ વર્તમાન સુશાસન દરમ્યાન વિરોધ પક્ષો સાથે (સંસદ ગૃહમાં તેમ જ જાહેર જીવનમાં) ઘણા વિષયો પર લડવું પડતું હોય છે.