અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર ગણાતા થલતેજમાં આવેલ પેલેડિયમ મોલમાં શનિવારની સાંજે ધમાલ મચીગઈ હતી. નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા શણગાર સામે કેટલાક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તહેવારોની મોસમમાં જ્યારે મોલ ગ્રાહકોથી ભરેલો હતો, ત્યારે અચાનક થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે ગ્રાહકો અને મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી.
સૂત્રોની જાણકારી પ્રમાણે ભગવા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં પેલેડિયમ મોલ ખાતે એકત્રિત થયા હતા. તેઓએ મોલના મુખ્ય ભાગમાં રાખવામાં આવેલા ક્રિસમસ ટ્રી અને અન્ય ડેકોરેશન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. જોતજોતામાં વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ ત્યાં લગાવેલું ક્રિસમસ ટ્રી તોડી પાડ્યું હતું. સંગઠનનો દાવો હતો કે સાર્વજનિક સ્થળોએ આવા પ્રદર્શનો તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
પરિસ્થિતિ વણસતી જોઈને પેલેડિયમ મોલના મેનેજમેન્ટે તુરંત જ વિવાદાસ્પદ ડેકોરેશન હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કોઈ મોટી જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નથી. સાવચેતીના ભાગરૂપે મોલની આસપાસ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ કરી રહી છે કે આ મામલે કાયદેસરની કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધી શકાય. હાલ પૂરતું વાતાવરણ શાંત છે અને મોલમાં પરિસ્થિતી સામાન્ય બની છે.