ગોંડલ/ગાંધીનગર: ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલ આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર FSLમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પહેલા ગણેશ ગોંડલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ નાર્કો ટેસ્ટ બાદ અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે. જોકે, SIT દ્વારા 15 ડિસેમ્બરે ગુજરાત હાઈ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે.
નાર્કોનો ટેસ્ટ અંગે સુરેન્દ્રનગર એસપીનું નિવેદન
સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશ ગોંડલનો નાર્કોનો ટેસ્ટનો થઈ ગયો છે. હવે એક બે દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રોટોકોલ આધારિત ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આજે ગાંધીનગર એફએસએસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે તે બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે..
રાજકુમાર જાટના પિતાએ લગાવ્યો હતો આરોપ
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીમાં નાર્કો ટેસ્ટની મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવી જશે તેવી આશા છે. જેથી તે રિપોર્ટ અને વીડિયોગ્રાફી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું હતો આ સમગ્ર મામલો?
ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો આરોપ લાગેલો છે. ગત 9મી માર્ચ, 2025એ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આ આરોપ લગાવ્યો હતો. માર માર્યાના આક્ષેપ બાદ રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર રાજકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસમાં ગુજરાત હાઈ કોર્ટે નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેથી ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ લેબમાં 9 ડિસેમ્બરથી ગણેશની મેડિકલ પ્રોસેસ કરવામાં આવી અને આજે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, નાર્કો ટેસ્ટમાં શું વિગતો જાણવા મળી તે મામલે હજી કોઈ અપડેટ એસટીઆઈ દ્વારા આપવામાં આવી નથી.