(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સ ખાતે રહેતા ગુજરાતી સિનિયર સિટીઝને પૂરપાટ વેગે બેદરકારીથી કાર ચલાવી 15 વાહનને અડફેટે લીધાં હોવાની ઘટના પવઈમાં બની હતી. આ ઘટનામાં બે જણને ઇજા થતાં સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
પવઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની બપોરે 3 વાગ્યાની આસપાસ પવઈમાં ટાટા પાવર નજીક બની હતી. આ પ્રકરણે કોન્સ્ટેબલની ફરિયાદને આધારે ઉદય નગીનદાસ સંઘવી (72) વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર લોખંડવાલા કૉમ્પ્લેક્સ ફોર્થ ક્રોસ રોડ ખાતેની ઈમારતમાં રહેતા સંઘવી તેમની મહિન્દ્રા બીઈ-6 કારમાં જતા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને કહ્યું હતું કે કાર પૂરપાટ વેગે બેદરકારીથી ચલાવવામાં આવી હતી, જેને પગલે અકસ્માત થયો હતો.
કારે ટક્કર મારતાં 15 જેટલાં વાહનને નુકસાન થયું હતું. અકસ્માતમાં સાહેબરાવ પવાર અને પંચમ મૌર્ય જખમી થયા હતા. પવારને માથા અને ખભા પર, જ્યારે મૌર્યને પીઠ અને ડાબા પગમાં ઇજા થઈ હતી.
બનાવની જાણ થતાં બીટ માર્શલ સુમીત પ્રતાપ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બન્ને જખમીને રિક્ષામાં નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું પોલીસનું કહેવું છે. આરોપી સંઘવી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ) અને 324(2) તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.