Fri Jan 02 2026

Logo

White Logo

2008ના દંગલના કેસમાં મનસે પ્રમુખ : રાજ ઠાકરે થાણે કોર્ટમાં હાજર થયા

3 weeks ago
Author: Yogesh D Patel
Video

થાણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે 2008ના દંગલના કેસ સંદર્ભે ગુરુવારે થાણે જિલ્લાની કોર્ટમાં હાજર થયા હતા અને આરોપો નકાર્યા હતા, એમ તેમના વકીલે જણાવ્યું હતું.

રાજ ઠાકરે ગુરુવારે ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. વી. કુલકર્ણી સમક્ષ હાજર થયા ત્યારે તેમના કાર્યકરો મોટી સંખ્યામાં બહાર એકઠા થયા હતા.

19 ઑક્ટોબર, 2008ના રોજ દંગલ, ઉમેદવારોની મારપીટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સંદર્ભે કોર્ટે મનસે પ્રમુખ અને તેમના અનેક કાર્યકરો સામે આરોપ ઘડ્યા હતા.

મેજિસ્ટ્રેટ દ્વારા પૂછવામાં આવ્યું કે શું તેમણે આરોપ સ્વીકાર્યા છે, ત્યારે ઠાકરેએ નકારાત્મક જવાબ આપ્યો હતો. કોર્ટે બાદમાં કેસની આગામી સુનાવણી 16 ડિસેમ્બર પર મોકૂફ રાખી હતી, એમ રાજ ઠાકરેના વકીલ રાજેન્દ્ર શિરોડકરે જણાવ્યું હતું.

કોર્ટ જ્યારે પણ નિર્દેશ આપશે ત્યારે રાજ ઠાકરે કોર્ટની કાર્યવાહીમાં હાજરી આપશે, એમ તેમના વકીલે કહ્યું હતું.
રાજ ઠાકરે સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યા ત્યારે કોર્ટ પરિસરમાં ભારે ભીડ અને પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

2008માં રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની પરીક્ષા આપવા બિહાર અને ઉત્તર પ્રદેશથી આવેલા ઉમેદવારોને ટાર્ગેટ કરવાનો મનસે પ્રમુખ અને તેમના કાર્યકરો પર આરોપ છે. રાજ ઠાકરે અને તેમના કાર્યકરો સામે કુલ 54 કેસ દાખલ કરાયા હતા. એ સમયે તેમને એક લાખ રૂપિયાની શ્યોરિટી પર જામીન આપવામાં આવ્યા હતા.

આગોતરા જામીન નકારાયા બાદ બોમ્બે હાઇ કોર્ટના નિર્દેશને પગલે ઠાકરેએ જૂન, 2009માં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
(પીટીઆઇ)