મુંબઈ: નવ વર્ષ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણી યોજાવાની છે, જેના માટે 15 જાન્યુઆરીના રોજ મતદાન થવાનું છે, એ પહેલા મુંબઈમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. BMCની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે આવ્યા છે, શિવ સેના(UBT) અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના(MNS) સાથે મળીને BMCની ચૂંટણી લડશે.
ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને મહારાષ્ટ્રમાં સંયુક્ત રેલી યોજવાના છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને તેના નિવાસ સ્થાન શિવતીર્થ પર મળ્યા હતાં. આ મુલાકાતના બે દિવસ પહેલા રાજ ઠાકરેએ પણ માતોશ્રીની મુલાકાત લીધી હતી, ત્યાર આ દરમિયાન બંને વચ્ચે સંયુક્ત રેલીઓ અને સંયુક્ત મેનીફેસ્ટો અંગે સમજુતી થઇ હતી.
ઠાકરે ભાઈઓની પહેલી સંયુક્ત રેલી 5 જાન્યુઆરીના રોજ મુંબઈના પૂર્વીય ઉપનગરોમાં યોજાશે. અહેવાલ મુજબ ઠાકરે ભાઈઓ કુલ આઠ રેલીઓ સંબોધવાના છે. આ રેલીઓમાંથી ત્રણ મુંબઈમાં, બે કલ્યાણ-ડોંબિવલીમાં અને એક-એક રેલી થાણે, મીરા-ભાયંદર અને નાસિકમાં યોજાશે.
આદિત્ય-અમિત ઠાકરે મેનિફેસ્ટો તૈયાર કરશે:
શિવસેના UBT અને MNS એક સંયુક્ત મેનિફેસ્ટો તૈયાર કરવા માટે પણ કામ કરી રહી છે. શિવસેના UBT રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેની આગેવાની હેઠળ સંયુક્ત મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
મહાયુતિ પણ મેદાને ઉતરશે:
બીજી તરફ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન પણ આવતી કાલે શનિવારથી ચૂંટણી પ્રચાર શરુ કરશે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદે સંયુક્ત રેલીઓ યોજાશે. વરલીના NSCI ડોમ ઓડિટોરિયમ એક સંયુક્ત રેલી યોજાશે.