Mon Dec 22 2025

Logo

White Logo

31 ડિસેમ્બર પૂર્વે બુટલેગરો પર તવાઈઃ : રાજકોટમાં 28 લાખનો દારૂનો જથ્થો જપ્ત, બે જણની ધરપકડ

3 days ago
Author: Devayat Khatana
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ
: ૩૧ ડિસેમ્બરની ઉજવણી પૂર્વે સક્રિય થયેલા બુટલેગરોના મનસૂબા પર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું હતું. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૈસુર ભગત ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચોટીલા તરફથી આવતા એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી છાપાની પસ્તીની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકની તપાસ લેતા 8.72 લાખનું બજાર મૂલ્ય ધરાવતી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 6000 બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે રૂ. 10 લાખની કિંમતનો આઇસર ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 28.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી પોલીસે ટ્રક ચાલક ધર્મેન્દ્ર ગોપાલ ઠાકોર અને ક્લીનર મોહન હરજાજી ભીલ (બંને રહે. નડિયાદ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ચોટીલાના બુટલેગર વિશાલસીંગ રાજપુતે મોકલ્યો હતો અને રાજકોટના કેતન રાઠોડ નામના શખ્સને સપ્લાય કરવાનો હતો. થર્ટી ફર્સ્ટના દિવસે દારુથી પાર્ટી કરવા માટે આ જથ્થો મંગાવાયો હોવાનું ખૂલ્યું હતું.