સુરતઃ રવિવારની રજાની સવાર સુરતના અલથાણ વિસ્તાર માટે કોઈ થ્રિલર ફિલ્મના ક્લાયમેક્સ જેવી સાબિત થઈ હતી. અહીં 'સ્વિમ પેલેસ' નામની બિલ્ડિંગના દસમા માળે એક 17 વર્ષીય કિશોરી જીવન ટૂંકાવવા માટે ચઢી ગઈ હતી. કિશોરી બિલ્ડિંગના પેન્ટહાઉસની પાળી પર ઊભી રહીને સતત કૂદવાની ધમકી આપી રહી હતી, જેને જોઈને નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મૂળ અયોધ્યાની રહેવાસી આ કિશોરી બિલ્ડિંગમાં એક ડોક્ટરના ઘરે ઘરકામ કરતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેની માતા સાથે કોઈ બાબતે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન માતાએ ગુસ્સામાં આવીને કહી દીધું હતું કે, "તું મરી જાય તો સારું." માતાના આકરા શબ્દો કિશોરીના દિલ પર સીધા વાગ્યા હતા અને અત્યંત ભાવુક થઈને તેણે આ અંતિમ પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું. કલાકો સુધી તે બિલ્ડિંગની પાળી પર ઊભી રહીને પોતાની વેદના વ્યક્ત કરતી રહી હતી.
જ્યારે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુની તૈયારી કરી રહી હતી ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બિલ્ડિંગના વડીલો અને મહિલાઓ તેને નીચે આવવા માટે કાલાવાલા કરી રહ્યા હતા. એક વડીલે તેને વહાલથી સમજાવતા કહ્યું હતું કે બેટા, તું બહુ ડાહી છે, મારી વાત માનીને નીચે આવી જા. એટલું જ નહીં, તેના મકાનમાલિકે પણ ભાવુક થઈને જાહેરાત કરી હતી કે જો તે નીચે આવશે તો તેની લગ્નની તમામ જવાબદારી તેઓ પોતે ઉપાડશે.
દરમિયાન ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનની ટીમો હાઈડ્રોલિક લિફ્ટ અને સેફ્ટી નેટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર કીર્તિ મોઢ અને તેમની ટીમે જોયું કે કિશોરી હાઈડ્રોલિક લિફ્ટ જોઈને વધુ ઉશ્કેરાઈ રહી છે, તેથી તેમણે વ્યૂહરચના બદલી હતી. એક તરફ ટીમ તેને વાતોમાં પરોવી રાખી હતી, જ્યારે બીજી તરફ હાઈડ્રોલિક ઓપરેટરે પાછળથી દોરડાની મદદથી અત્યંત ચપળતાપૂર્વક કિશોરીને પકડી લીધી હતી. આશરે એક કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ કિશોરીને સુરક્ષિત નીચે લાવવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.