(અમારા પ્રતિનિધિ તરફથી)
રાપરઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરા ગામના ૧૧૬ જેટલા કિસાનોની ૮૦૦ એકર જેટલી કિંમતી જમીનોને સોલાર પ્લાન્ટ બનાવનાર કંપનીને જાણબહાર બારોબાર વેચવાનાં ભારે ચકચારી બનેલા કૌભાંડનો ભોગ બનેલા કિસાનોની રજુઆત બાદ આખરે ગાગોદર પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.
શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત વિગતો મુજબ, રાપરના ભીમદેવકામાં રહેનારા ફરિયાદી અરવિંદ હજા કોળીને ગત તા. ૧૬-૧૨ના રોજ શિવલખાના અનોપસિંહ અલિયાજી જાડેજાએ વોટ્સએપમાં એક ૧૭ પાનાની ફાઈલ મોકલાવી હતી, જેને જોતાં તેમાં ભીમદેવકા અને ફૂલપરાના ૧૧૬ ખેડૂતની ૮૦૦ એકર જમીન સોલાર પ્લાન્ટ માટે વેચાણ કરી આપવા સબબ સાજન એમ. સામળિયાની નોટરી કરાર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ નોટરીમાં એક તરફ લખાવી લેનારા તરીકે જાડેજા અનોપસિંહ અલિયાજી તથા લખી આપનારા તરીકે ભરવાડ વિરા મોગા (રહે. થોરિયારી), ખાનપરા ચીમનલાલ છગનલાલ (રહે.ગાંધીધામ), ભરવાડ મેરા લખુ (રહે.જૂના કટારિયા) તથા મમુ ભુરા કોળી (રહે. શિકરપુર)નાં નામ હતાં. આ નોટરી કરારમાં ખેડૂતોની ૮૦૦ એકર જમીન સોલાર પ્લાન્ટ માટે વેચવા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક એકરના ભાવ માત્ર રૂા.૪,૨૧,૦૦૦ તથા છ માસમાં આ જમીનો વેચાવી આપવાની રહેશે, જમીનોના ૭/ ૧૨,૮-અ તમામ હક્ક, પુરવા, મહેસૂલી અદાવતો હુકમો, નક્શા, પેઢી નામું વગેરે કરાવી આપવાની શરતો આ પીડીએફ(પોર્ટેબલ ડિજિટલ ફાઈલ)માં જણાવવામાં આવી હતી.
ખેડૂતોની જાણ બહાર બારોબાર, મંજૂરી વગર પોતાના અંગત ફાયદા માટે ખોટો દસ્તાવેજ, નોટરી કરાર કરનારા મેરા ભરવાડ, મમુ કોળી, વીરા ભરવાડ સામે ગાગોદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.