Thu Dec 11 2025

Logo

White Logo

હોમગાર્ડઝ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ : વર્ષન વધારો કર્યો રાજ્ય સરકારે

2 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, ૧૯૫૩ના નિયમ- ૯ માં આ અંગે સુધારો કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો, જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષની રહેશે. 

બૃહદ મુંબઇ રાજ્યમાં ૬ઠ્ઠી ડીસેમ્બર, ૧૯૪૭ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે હોમગાર્ડઝ દળની રચના કરવામાં આવી હતી. 

નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આ દળ પોલીસના પૂરકબળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડઝના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, વી.આઈ.પી. બંદોબસ્ત, ધાર્મિક,મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે, અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે., તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. 

આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોને વધુ ત્રણ વર્ષ રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનો મોકો મળશે. એટલું જ નહીં, હોમગાર્ડઝના સભ્યો માનદ હોય છે અને તેમના પર કૌટુંબિક જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી શકશે. હોમગાર્ડ્ઝ સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી, તેઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી રીતે પાર પાડવા પોલીસને વધુ મદદ કરી શકશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.