Tue Jan 06 2026

Logo

White Logo

ગુજરાત પોલીસએ શરૂ કર્યું ‘ઓપરેશન કારાવાસ’, : છેલ્લા 15 દિવસમાં 41 આરોપીઓ ઝડપાયા

3 weeks ago
Author: vimal prajapati
Video

અમદાવાદઃ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તારીખ 26મી નવેમ્બરથી આ 'ઓપરેશન કારાવાસ' શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન કારાવાસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. મળતી જાણકારી પ્રમાણે ગુજરાત પોલીસે છેલ્લા 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. 

25 આરોપીઓ મૃત્યુ હોવાનું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું

આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં પોલીસે આશરે 41 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. તે પૈકી 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. તે ઉપરાંત 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું ઓપરેશન કરાવાસ દરમિયાન જાણવા મળ્યું છે. તે તમામના ડેથ સર્ટિફિકેટ મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 આરોપીઓ પૈકી 17 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. 

ઓપરેશન કારાવાસ અંતર્ગત 41 આરોપીઓને ઝડપાયા

નોંધનીય બાબત છે કે, ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા આ તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હોય તે પ્રકારના આરોપીઓ હતા. ગુજરાત પોલીસની આ સફળતા પાછળ તેમની ખંતપૂર્વકની મહેનત અને વ્યૂહાત્મક કામગીરી રહેલી છે. પોલીસે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને આ આરોપીઓને પકડવામાં ખૂબ મોટી જહેમત ઉઠાવી છે. 

હજી પણ આ ઓપરેશન યથાવત રહેશે

આ આરોપીઓ ખૂબ લાંબા સમયથી ફરાર હતા અને કાયદાથી દૂર રહેવા માટે અન્ય રાજ્યોમાં પણ પોતાની ઓળખ અને હુલિયો છુપાવીને રહેતા હતા. આવા જટિલ કિસ્સાઓમાં પણ ગુજરાત પોલીસે દિવસ-રાત એક કરીને આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને વહેલી તકે પકડવા માટે આ કાર્યવાહી હજી પણ ચાલુ રાખવામાં આવનાર છે. વિકાસ સહાયે ઓપરેશન કારાવાસ અંતર્ગત જે આરોપીઓ પેરોલ/ફર્લો પરથી પરત ન આવ્યા હોય, તેમને પકડવા માટે તમામ પોલીસ કમિશનરોઅને પોલીસ અધિક્ષકોને સૂચનાઓ આપી છે.