Thu Jan 01 2026

Logo

White Logo

ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: : ₹ 80,000 કરોડના ડિફેન્સ સોદાને મળી મંજૂરી...

2 days ago
Author: Mumbai Samachar Team
Video

T-90 ટેન્ક અને Mi-17 હેલિકોપ્ટર અપગ્રેડ કરાશે, પિનાકા રોકેટ અને કામિકાઝ ડ્રોન દુશ્મનોને ઊંઘ હરામ કરશે...

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોની મારક ક્ષમતા અને આધુનિકીકરણને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ₹ 80,000 કરોડના મેગા ડિફેન્સ સોદાઓને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ત્રણેય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા હથિયારોની ખરીદી અને જૂના સંસાધનોના અપગ્રેડેશન પર મહોર મારવામાં આવી છે. આ નિર્ણય માત્ર સેનાને આધુનિક બનાવશે એટલું જ નહીં, પરંતુ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સ્વદેશી ટેકનોલોજીને પણ મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.

આ મંજૂરી હેઠળ ભારતીય ભૂમિસેનાના શક્તિશાળી 'T-90 ભીષ્મ' ટેન્કોને અપગ્રેડ કરવામાં આવશે. અંદાજે 200 ટેન્કને સ્વદેશી રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી યુદ્ધભૂમિમાં તેમની કાર્યક્ષમતા અને આયુષ્ય વધી શકે. આ સાથે જ વાયુસેનાના કરોડરજ્જુ સમાન 'Mi-17' હેલિકોપ્ટરનું પણ મિડ-લાઈફ અપગ્રેડેશન કરવામાં આવશે. આ ફેરફારોથી આપણા સૈનિકો દુશ્મનો સામે વધુ ચોકસાઈ અને મજબૂતાઈપૂર્વક લડી શકાશે.

આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપને જોતા સરકારે 'લોઇટરિંગ મુનિશન' એટલે કે 'કામિકાઝ ડ્રોન' (સુસાઈડ ડ્રોન) ખરીદવાની મંજૂરી આપી છે. આ ડ્રોન દુશ્મનના ઠેકાણાઓ પર ઘૂમીને સચોટ હુમલો કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, આકાશમાંથી જ હવામાં ઈંધણ ભરી શકે તેવા 'રિફ્યુલર ટેન્કર' અને દુશ્મનના વિમાનો પર નજર રાખતી 'AWACS' સિસ્ટમની ખરીદી પ્રક્રિયામાં પણ ફેરફાર કરાયા છે. મિસાઈલ ક્ષેત્રે 'અસ્ત્ર માર્ક-2' અને મીડિયમ રેન્જની 'MRSAM' મિસાઈલોથી ભારતની હવાઈ સંરક્ષણ કવચ અભેદ્ય બનશે.

સૌથી મહત્વની જાહેરાત 'પિનાકા રોકેટ સિસ્ટમ'ને લઈને કરવામાં આવી છે. હવે 120 કિમી સુધી પ્રહાર કરી શકે તેવા નવા પિનાકા રોકેટ વિકસાવવામાં આવશે, જેની ખાસિયત એ છે કે તેને જૂના લોન્ચરથી જ નિશાન તાકશે. ઉપરાંત, ઇઝરાયલ પાસેથી 'સ્પાઈસ-1000' જેવા અત્યંત સચોટ ગાઈડેડ બોમ્બ ખરીદવાની પણ યોજના છે. સાથે જ અમેરિકા પાસેથી શક્તિશાળી 'સી ગાર્ડિયન ડ્રોન' લીઝ પર લઈને સમુદ્રી સીમાઓ પર નજર રાખવાનું કામ વધુ તેજ કરવામાં આવશે.

આ તમામ પ્રસ્તાવોને હવે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. આ ડીલ પૂરી કરવાથી ભારતીય સેનાની લાંબી અંતરની પહોંચ પણ વધશે અને સરહદો પર સુરક્ષા સજ્જડ બનશે. સંરક્ષણ ક્ષેત્રમાં થયેલો આ ખર્ચ આવનારા સમયમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને મજબૂત બનાવશે અને દુશ્મન દેશોને સ્પષ્ટ સંદેશ આપશે કે ભારત કોઈ પણ સ્થિતિનો સામનો કરવા સજ્જ છે.