Thu Dec 11 2025

Logo

White Logo

રાજકોટ ફરી રક્તરંજિત : નજીવી વાતમાં છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા

1 day ago
Author: MayurKumar Patel
Video

રાજકોટઃ શહેરનો રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ગત મોડી રાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, એક યુવક રોડની સાઈડમાં સુતેલા લોકોને હેરાન કરતો હતો. જેથી એક યુવકે તેને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે બોલાચાલી કરી યુવકને પેટ અને છાતીના ભાગે છરીના ઘા મારતાં યુવક તરફડીને મૃત્યુ પામ્યો હતો.

મૃતકના પિતાએ શું કહ્યું

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. આ મામલે મૃતકના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો તેના મિત્રનો જન્મદિવસ હોવાથી ઉજવવા માટે ગયો હતો.  બર્થ ડે સેલિબ્રેશન પછી સાત લોકો જ્યુબેલી ચોક પાસે ચા-પાણી પીવા માટે ગયા હતાં. અહીં મારા દીકરાની ઝપાઝપી થઈ અને છરી મારીને હત્યા કરવામાં આવી હતી. 

શહેરમાં બે દિવસ પહેલા પતિએ કરી હતી પત્નીની હત્યા

બે દિવસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી હતી.થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. 

મૃતકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને અમદાવાદની રહેવાસી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ધીમે ધીમે શરૂ થયેલી વાતચીત પ્રેમસંબંધમાં પરિણમી હતી. જે બાદ બંનેના પરિવારજનોની મંજૂરીથી લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં નાની નાની વાતમાં ઝઘડા શરૂ થયા હતા.

ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, યોગેશ બોરીચા કોઈ કામ ધંધો કરતો નહોતો અને તેને નશો કરવાની પણ ટેવ હતી. આર્થિક સંકડામણના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. ઘરકંકાસથી કંટાળીને મૃતક બનાવના ચાર-પાંચ દિવસ પહેલા પતિનું ઘર છોડીને તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. યોગેશ બોરીચા તેની પત્ની જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યો હતો અને બોલાચાલી શરૂ કરી હતી. થોડી જ વારમાં ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ તેની પાસે રહેલી છરી કાઢીને પાંચ જેટલા ઘા પત્નીને ઝીંકી દીધા હતા. જેના કારણે લોહીલુહાણ થઈને ત્યાં જ ફસડાઈ પડી હતી. આ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.