સુરતઃ શહેરના રામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 23 વર્ષીય રત્ન કલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. પિતાએ બેકાર પુત્રને કામ બાબતે ઠપકો આપતાં તેણે આવેશમાં આવીને આ પગલું ભર્યું હતું. ચોથા માળેથી નીચે પટકાતો મૃતકનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. પુત્રના મોતના પગથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સીસીટીવી કેદમાં થયેલી તસવીર સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી રામપુરા રામવાડી પાસે હમદ પાર્ક બિલ્ડિંગની છે. એક વ્યક્તિ ઉપરથી નીચે પટકાતો જોવા મળી રહ્યો છે. જે સમયે યુવક નીચે પડ્યો ત્યારે એક મહિલા ત્યાંથી પસાર થતી હતી. આ મહિલા પર તે પડતાં સહેજથી બચી ગયો હતો. ઘટના બાદ લોકો દોડી આવ્યા હતા. યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
મૃતકની ઓળખ દાનિશ મોતીપાની તરીકે થઈ હતી. તે તેના પિતા સાથે રામપુરા રામવાડી પાસે રહેતો હતો. 23 વર્ષીય દાનિશ હીરા ફેક્ટરીમાં કામ કરતો હતો અને થોડા સમયથી બેકાર હતો. જેને લઈ તેના પિતાએ ઠપકો આપ્યો હતો. આથી તે નારાજ થઈ ગયો હતો. તેણે આવેશમાં આવીને ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરની તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
સીસીટીવી ફૂટેજ મુજબ ચોથા માળેથી કૂદ્યા બાદ તે નીચે ઉભેલા છોટા હાથી સાથે ટકરાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતક તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.