સુરતઃ રાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂપિયા 249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂપિયા 109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.( યુઆરડીસીએલ) દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂપિયા 242 કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.
કુલ રૂપિયા 249 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાનએ સુરતવાસીઓને 600 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી હતી. આ અવસરે મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વાગાડ્યો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટેની તેમણે હિમાયત કરી હતી.
સુરતનો આઉટ ડોર રીંગરોડ પુર્ણ થવાથી ટ્રાફિકમાં ધટાડાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે. આજે દરેકક્ષેત્રે નાના માણસને કેન્દ્રમાં રાખીને વિકાસ આગળ વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે એક લાખનું કામ કરવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો આજે એક કરોડના કાર્યો સરળતાથી થઈ રહ્યા છે.
સુરત ખાતે આજે SMC અને SUDA ના જનસુવિધાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 13, 2025
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં બનેલા મુખ્ય પ્રકલ્પોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગંદા પાણીના નિકાલ માટે તૈયાર થનારો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ લાઈન, હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન, વેન્ડિંગ… pic.twitter.com/UlaQSWQJ93
વર્ષ 2025-26 માં રાજયના શહેરી વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે 30 હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. નવી મહાનગરપાલિકાઓના વિકાસ માટે પણ રાજય સરકાર કટિબદ્વ છે. મહાનગરપાલિકાની નવરચના સાથે જ બજેટ ઉપલબ્ધ કરાવાયું છે તેવું સુરત જિલ્લા પ્રભારી અને નાણાંપ્રધાનએ જણાવ્યું હતું. ગુજરાતમાં શહેરીકરણ ખુબ જ ઝડપથી થઇ રહયું છે. જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. ભરૂચ અને ઉમરગામ વચ્ચે સુરત વિકાસનું કેન્દ્ર બિંદુ છે. જેથી વિવિધ ક્ષેત્ર વિકાસ, ટુરીઝમના કારણે બહોળા પ્રમાણમાં લોકો માટે રોજગારીનું સર્જન થાય છે. સુરત એ વિશ્વનું ખુબ જ ઝડપથી વિકાસ પામતું શહેર છે.
મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં નવા વિસ્તારોમાં માળખાકીય સવલતો ઉભી કરવા રૂપિયી 600 કરોડના વિકાસ કામો ઉપયોગી બનશે. 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. અર્ન વેલ અને લીવ વેલના મંત્ર સાથે રીજીયોનલ ડેવલપમેન્ટ ના છ પ્લાનમાં દક્ષિણ ગુજરાતનું વિકાસ વિઝન ખુબ જ ઝડપથી લોન્ચ કરવામાં આવશે. જે વિકાસનો મહત્વનો રોડમેપ બનશે.
57.65 કરોડના ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના આઉટર રીંગરોડ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત રૂપિયી 184.20 કરોડના ખર્ચે સચિન-પલસાણાથી સચીન કડોદરા જંકશન આઉટર રિગરોડનું કામ તથા રૂપિયા 57.65 કરોડના ખર્ચે સુરત કડોદરા રોડ આઉટર રીંગરોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરીના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ ટી.પી.સ્કીમ હેઠળ ચાર માર્ગીય રસ્તા, ડામર રોડ, રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી સહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.