સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર યહુદીઓના હનુક્કા તહેવારની ઉજવણી માટે એકઠા થયેલા લોકો પર બે શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 નિર્દોષ લોકો માર્યા ગયા. પોલીસની કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો છે, જયારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, એવામાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ જણાવ્યું છે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ (IS) આતંકવાદી જૂથની વિચારધારાથી પ્રેરિત હતો.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોઓપરેશન (ABC)ને આપેલા રેડિયો ઇન્ટરવ્યુમાં એન્થોની અલ્બેનીઝે જણાવ્યું, "એવું લાગે છે કે આ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતો, અત્યાર સુધીની તપાસ મુજબ બે બંદૂકધારી પિતા-પુત્રની જોડીએ આ હુમલો કર્યો હતો.”
નવીદ શંકા હેઠળ હતો:
અલ્બેનીઝે જણાવ્યું કે હુમલાખોર સાજિદ અકરમને પોલીસે ગોળી મારીને મારી નાખ્યો છે, જયારે તેનો દીકરો નવીદ અકરમ ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અન્ય કેટલાક લોકો સાથેના તેના જોડાણને કારણે નવીદ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો હતો. નવીદ સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતાં, નવીદ શંકા હેઠળ આવ્યો હતો.
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને નવીદની કારમાંથી ISના ઝંડા મળી આવ્યા હતાં. ત્યાર બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે સાજિદ અને નવીદ IS ની વિચારધારાથી પ્રભાવિત હોઈ શકે છે. હવે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આ ટીપ્પણી કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનરે મુજબે પુષ્ટિ કરી કે 15 નાગરીકો માર્યા ગયા છે, જેમાં એક 10 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.