અમદાવાદ: નવું વર્ષ રેલવે મુસાફરો માટે ખુશખબરી લઈને આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા ટેકનિકલ સુધારા અને ટ્રેક અપગ્રેડેશન બાદ ટ્રેનોની સ્પીડ વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે હવે મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાન સુધી ઝડપથી પહોંચી શકશે. અમદાવાદ ડિવિઝન હેઠળ આવતી અનેક ટ્રેનોની ગતિમાં નોંધપાત્ર વધારો કરવામાં આવતા મુસાફરીના કુલ સમયમાં પણ ઘટાડો નોંધાશે.
પહેલી જાન્યુઆરી 2026 થી અમલમાં આવનારા નવા સમયપત્રક મુજબ, કુલ 167 ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પીડ વધવાને કારણે 110 ટ્રેનો તેના નિયત સમય કરતા વહેલી પહોંચશે, જ્યારે 57 ટ્રેનોના સમયમાં ફેરફારને પગલે તે થોડી મોડી પડી શકે છે. ખાસ કરીને 23 ટ્રેનો એવી છે જેની મુસાફરીમાં 40 મિનિટ સુધીનો સીધો સમય બચશે, જે લાંબા અંતરના મુસાફરો માટે મોટી રાહત સમાન છે.
આ ફેરફાર માત્ર અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પૂરતો મર્યાદિત નથી. નવા સમયપત્રકની અસર સાબરમતી, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, વિરમગામ, ભુજ, ગાંધીધામ અને હિંમતનગર જેવા રાજ્યના મુખ્ય સ્ટેશનો પર પણ જોવા મળશે. આ તમામ સ્ટેશનો પર આવતી-જતી ટ્રેનોના સમય હવે બદલાઈ ગયા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા રેલવેની અધિકૃત વેબસાઈટ અથવા હેલ્પલાઈન નંબર 139 પરથી નવીનતમ વિગતો જાણી લે.
રેલવે વિભાગે કુલ 89 ટ્રેનોની ગતિમાં વધારો કર્યો છે, જેમાં અમદાવાદ ડિવિઝનની જ 85 ટ્રેનોનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનોની ઝડપમાં 5 કિમીથી લઈને રેકોર્ડબ્રેક 66 કિમી પ્રતિ કલાક સુધીનો વધારો કરાયો છે. ખાસ કરીને બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સારાય રોહિલ્લા, અજમેર-દાદર અને ઓખા-જયપુર જેવી ટ્રેનો હવે ફૂલ સ્પીડમાં દોડતી જોવા મળશે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે નેટવર્કને વધુ કાર્યક્ષમ અને સમયબદ્ધ બનાવવાનો છે.
સમયપત્રકમાં થયેલા આ વ્યાપક ફેરફારોને પગલે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે તંત્ર સજ્જ છે. તેમ છતાં, અચાનક બદલાયેલા સમયને કારણે ટ્રેન ચૂકી ન જવાય તે માટે એડવાન્સમાં સ્ટેશન પહોંચવું હિતાવહ છે. નવા ટાઈમ ટેબલ મુજબની વિગતો તમામ સ્ટેશનો પર ડિસ્પ્લે બોર્ડ પર પણ મૂકવામાં આવશે.