નવી દિલ્હી: નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં એક ભયાનક આતંકવાદી હુમલો થતા રહી ગયો છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને ઉત્તરી કેરોલિનામાં એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS) પ્રેરિત આ હુમલાની યોજના ઘડનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સફળતા બાદ અમેરિકી ન્યાય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે.
મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, ફેડરલ એજન્ટોએ બુધવારે 18 વર્ષીય ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ નામના યુવાનની અટકાયત કરી હતી. એફબીઆઈ (FBI) ના ડાયરેક્ટર કાશ પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા પર આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તપાસ એજન્સીઓએ નવા વર્ષની આગલી રાતે નિર્દોષ લોકો પર થનારા સંભવિત હુમલાને અટકાવી દીધો છે. આ મામલે એફબીઆઈ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ ચોંકાવનારી વિગતો જાહેર કરી શકે છે.
આ ઓપરેશનમાં એફબીઆઈ એજન્ટોએ ખૂબ જ ચતુરતાથી કામ લીધું હતું. તપાસ એજન્ટોએ ISIS ના સભ્યો હોવાનો ઢોંગ કરીને સ્ટર્ડિવન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપી તેમની જાળમાં ફસાઈ ગયો અને તેણે ઇસ્લામિક સ્ટેટ જૂથ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે જલ્દી જ 'જેહાદ' ના નામે હિંસા કરવાની તૈયારીમાં હતો અને તેણે પોતાની ઓળખ સંગઠનના સૈનિક તરીકે આપી હતી.
ચોંકાવનારી વાત એ છે કે સ્ટર્ડિવન્ટ પહેલેથી જ એજન્સીઓના રડાર પર હતો. જ્યારે તે સગીર હતો (2022 માં), ત્યારે તે સોશિયલ મીડિયા દ્વારા ISIS ના અજાણ્યા સભ્યોના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે તેને મનોવૈજ્ઞાનિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તેની ઓનલાઈન ગતિવિધિઓ ફરી શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. હાલમાં તેને 7 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.