અરવિંદ વેકરિયા
‘મળે સૂર જો તારો મારો’ નાટકનાં જી.આર. રંગેચંગે પૂરાં થયાં. અખબારોમાં જા.ખ. પણ આવતી થઈ ગઈ. પ્રથમ શો ‘સોલ્ડ આઉટ’, જે ચામુંડા જવેલર્સનાં ઉપક્રમે ઓપન-એરમાં કરવાનો હતો. એ દિવસ પણ આવી પહોંચ્યો. બધા કલાકારો ઉત્સાહમાં તો હતાં જ સાથે પહેલાં પ્રયોગમાં હોય છે એવું ટેન્શન પણ મનમાં હતું. આગલા દિવસે હું એ સ્થળ જોઈ આવ્યો. ત્યાં મારું જ નાટક નહોતું રજૂ થવાનું, આખો ‘નાટ્યોત્સવ’ રાખેલો. બીજાં બે નાટક ઉપરાંત મ્યુઝિકલ નાઈટ પણ હતી. પહેલું અમારું નાટક હતું. મારે ખાસ તો સાઉન્ડ વિશે જાણવું હતું. આયોજકોના કહેવા મુજબ લગભગ બે થી અઢી હજાર જેટલાં પ્રેક્ષકો આવવાનાં હતાં.
ત્યારે લેપલ માઈક નહોતા. મળનારી સાઉન્ડ સિસ્ટમથી અમારો અવાજ પ્રેક્ષકો સુધી પહોંચવો જોઈએ એ ખાસ પૂછવાનું હતું. એ લોકોએ તો કહી દીધું કે અમારી સાઉન્ડ સીસ્ટમ ‘ટોપ’ છે. ઠીક છે, ઇચ્છીએ કે એમનું કહેવું સાચું નીકળે, બાકી ઘણાં ઓપન-એરમાં શો કર્યા છે, લોકો સેટ થતાં વાર લગાડે એટલે જેવા કલાકારો સંવાદ બોલવા શરૂ કરે કે તરત સેટ થયેલાં પ્રેક્ષકો અપસેટ થઈ અવાજ...અવાજ કરી બુમરાણ મચાવે અને નાટકની પકડ આવે નહીં.
અમે તો અમારો પહેલો પ્રયોગ રજૂ કરી રહ્યાં હતાં. મારે એની વાત માની લેવાં સિવાય છૂટકો નહોતો. દરેક વાતને સાબિત કરવી મારે માટે મુશ્કેલ હતી, હું માણસ છું, ગણિતનો દાખલો તો નહી. ખેર! સ્થળ જાણી લીધું અને સાઉન્ડ માટે હૈયાધારણ મેળવી લીધી.
બીજે દિવસે બધા કલાકારોને વહેલાં બોલાવી લીધાં. મેકઅપ માટેનો ગ્રીન-રૂમ ખાસ પડદાથી અલગ બનાવવામાં આવેલ. મિરર પણ મુકવામાં આવેલાં. પપ્પાની સેક્રેટરી નાટકથી પોતાનું મેકઅપનું કામ શરૂ કરનાર આનંદ પરમાર અમારો મેકઅપ-મેન હતો. એમણે આજની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ આ મરણાંત એ જવાબદારી નીભાવેલી. થોડા વર્ષો પૂર્વે એમનું નિધન થયું.
બધા આવી ગયાં. જયુકાકા પણ... જયુકાકાના સીન જેમની સાથે હતા એમની સાથે એ ‘ચકરી’ રિડીંગ કરતાં હતાં. મને સેટ થતાં વાર લાગે છે એવું એમણે કહેલું, કદાચ એ કારણ હોઈ શકે. હું દિગ્દર્શક હોવા છતાં કંઈ કહી નહોતો શકતો, કદાચ એમનો અહમ ઘવાય તો? એ સમજદારી મેં કેળવી લીધી હતી. વધતી જતી સમજદારી જીવનને મૌન તરફ લઈ જતી હોય છે અને આમ પણ ઘોલકા જેવડા ગ્રીન-રૂમમાં બધા કલાકારો વચ્ચે એમને કઈ કહું તો ચોક્કસ એમનો અહમ ઘવાય, એમનો જ નહીં. આવા સંજોગમાં કોઈનો પણ ઘવાય, મારો પણ.
એટલે મારી મૌનની સમજદારી બરાબર હતી. નવો-નવો આ નાટ્યજગતમાં આવ્યો ત્યારે ઘણાં સિનિયરો મદદરૂપ થઈ સલાહ આપતા, જેનાથી મારી હિમ્મત વધતી. જ્યારથી ડિરેક્ટરરૂપે શરૂઆત કરી ત્યારથી મારા માટે મારી જાતને કઈક સમજુ છું એવું મારાં માટે લોકો કહેવા લાગેલાં, જે ખોટું હતું. જયારે ચાલતાં નહોતું આવડતું ત્યારે કોઈ પડવા નહોતું દેતું, જ્યારથી ચાલવાનું શીખી ગયો ત્યારથી જાણે બધાં પાડવામાં લાગી ગયાં, કંઈક એવો ઘાટ થયો.
શો માટેનો સમય થઈ રહ્યો હતો. રંગદેવતાની પૂજા જયુકાકા અને શીલા શર્માએ કરી. મેં જયુકાકાના આશીર્વાદ લીધાં. બધાને ‘ઓલ ધી બેસ્ટ’ કહી ત્રીજી બેલની રાહ જોવા લાગ્યાં. હજી પણ જયુકાકા સાથી કલાકાર સાથે સંવાદોની આપ-લે કરી રહ્યાં હતાં. ત્રીજી બેલ રણકી અને પડદો ખેંચાયો. પ્રભુની કૃપા કે સાઉન્ડ સિસ્ટમ ખરેખર સારી હતી. પ્રેક્ષકો થોડાં હજી ગોઠવાય રહ્યાં હતાં પણ વ્યવસ્થા સારી હતી કે કોઈ ખલેલ-શોર નહોતો, બધાં શાંતિથી પોતાની બેઠક લઈ રહ્યાં હતાં.
નાટક ધીમે ધીમે પકડમાં આવતું જતું હતું. જયુકાકાની એન્ટ્રી ઉપર તો તાળીઓ પડી, જે એમની લોકપ્રિયતાનો પુરાવો હતી. અમુક જગ્યાએ જયુકાકા પોતાનાં ‘એક્સટેમ્પો’ ઉમેરવામાં મૂળ સંવાદના પાટા પરથી એમની ગાડી ઊતરી જતી અને સામે રહેલો કલાકાર મૂંઝવણમાં મુકાઈ જતો. જયુકાકા અનુભવી હતાં એટલે વાતને પાછી પાટે ચડાવી દેતાં.
જોકે, એક દિગ્દર્શક તરીકે મને આ ગમતું નહોતું. એમનાં એક્સટેમ્પો ઉપર પ્રેક્ષકોની તાળીઓ જરૂર પડતી પણ પછીનાં સંવાદને થાળે પડતાં વાર લાગવાથી નાનો ‘ગેપ’ પડતો જે મને ‘નાટક ખેંચાય રહ્યું છે’ એવું લાગતું. મારાં આ વિચાર સાથે જાણે પ્રેક્ષકોને કઈ લાગતું-વળગતું નહોતું. એમનો રિસ્પોન્સ જોરદાર રહેતો. નોકર-નોકરાણીના સીનમાં પણ પ્રેક્ષકોની ભાવુકતા જોવા મળી. ઈમોશનલ સીનમાં શેખર શુકલ અને અમિતા રાજડાએ બધાનાં આંખના ખૂણા ભીનાં કરી દીધા.
આજે તો શેખર શુકલ પોતાને અવ્વલ પુરવાર કરી ચુક્યો છે. હવે નાટકો ઓછા કરે છે. ગુજરાતી-હિન્દી ફિલ્મો અને અનુપમા જેવી લોકપ્રિય સિરિયલમાં વ્યસ્ત રહે છે. પોતે મેળવેલ મહાનતાનું ભૂત હજી મગજમાં ચડવા નથી દીધું. આજે પણ એ ‘ડાઉન ટુ અર્થ’ છે. એને ખબર છે કે બહુ મોટા બનવાની કોશિશ ન કરવી, મોટા થવાથી તો મા પણ કેડેથી નીચે ઉતારી દે છે. કદાચ એટલે જ એ પગ જમીન પર ટેકવેલા રાખે છે.
મૂળ વાત પર આવીએ...પહેલા અંક પછી આયોજકોના વખાણ સાંભળી સારું લાગ્યું. ત્રીજો અંક પૂરો થયો કે હસમુખ મગીયા, જેમનાં થ્રુ આ શો અમે લીધેલ એ અન્ય કાર્યકર્તાઓને લઈ મળવા આવ્યા. પરિચય કરાવ્યો. બધાનો સૂર એક જ હતો, નાટક બહુ સરસ હતું. રાજુલ દીવાનનાં કામનાં વખાણ કર્યા. જયુકાકાનું પાત્ર પણ વખણાયું. એમના સંવાદની ગાડીના ડિરેઈલમેન્ટ બાબત મેં સમજદારી પૂર્વક મૌન રાખ્યું. એમણે મને બેન્કમાં આપેલ મુત્સદીભર્યા જવાબ જેવો મેં આભાર પણ માની લીધો. બધી ખબર હોય છે કે ક્યાં ક્યાં ખેલ ખેલાઈ ગયો, છતાં ન બોલીને સંબંધ સાચવે એ સંસ્કાર...
બીજા દેશમાં કોઈ વાઈફ હોશિયાર હોય તો કહે. શી ઈઝ વેરી ટેલેન્ટેડ. અને આપણા ગુજરાતમાં ફલાણાની વહુ બધાને વેંચીને ખાય એવી છે.