થાણે: થાણેમાં રખડતા શ્વાન કરડ્યાના એક મહિના બાદ છ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
બાળકી નિશા શિંદેના પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકીને હડકવાની રસી આપવા ઉપરાંત તેને સમયસર સારવાર મળી હતી. બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યા બાદ અચાનક તેની તબિયત લથડી હતી.
દિવાસ વિસ્તારમાં રહેનારી નિશા શિંદે 17 નવેમ્બરે ઘરની બહાર રમી રહી હતી ત્યારે શ્વાન તેના ખભા અને ગાલ પર કરડ્યો હતો. નિશાને તાત્કાલિક ડૉક્ટર પાસે લઇ જવામાં આવી હતી અને બાદમાં તેને કલ્યાણ-ડોંબિવલી પાલિકા સંચાલિત શાસ્ત્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
નિશાની માતા સુષમા શિંદેના જણાવ્યા અનુસાર બાળકીને હડકવાની રસી આપવામાં આવી હતી અને જરૂરી ઇન્જેકશનો પણ અપાયા હતા. શરૂઆતની સારવાર બાદ નિશા સ્વસ્થ દેખાતી હતી અને 3 ડિસેમ્બરે તેનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો.
દરમિયાન હડકવાની રસીનો અંતિમ ડોઝ લીધાના એક દિવસ બાદ 16 ડિસેમ્બરે નિશાને માથું દૂખવા સાથે તાવ આવ્યો હતો. તેના વર્તનમાં બદલાવ જણાયો હતો. નિશાએ પોતાનું માથું બેડ પર અફાળ્યું હતું અને તેના શરીરમાં ખંજવાળ આવવા લાગી હતી.
નિશાને બીજે દિવસે કલ્યાણ-ડોંબિવલી પાલિકા સંચાલિત હોસ્પિટલમાં લઇ જવાઇ હતી અને ત્યર બાદ મુંબઈની પાલિકાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને બચાવી શકાઇ નહોતી, એમ પણ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)