નડિયાદઃ શહેરમાં ચોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. મિઠાઈની દુકાનમાં 9 વર્ષમાં 10મી વાર ચોરી થઈ હતી. ગઠિયા સેંકડો કિલો કાજુ કતરી સહિતની મોંઘી મીઠાઈ ઉઠાવી ગયા હતા. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, ચોરો રોકડની સાથે લાઇટ ડેઝર્ટ ઉઠાવતાં ગયા હતા.
નડિયામાં 2015માં મિઠાઈની દુકાન ખોલનારા વેપારીના જણાવ્યા પ્રમાણે, તેમણે ત્રણ વખત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય ચોરીની ઘટનામાં પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જોકે હજુ સુધી એક પણ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આસપાસની કેટલીક દુકાનોમાં ત્રણ કે ચાર ચોરીના પ્રયાસો થયા છે. પરંતુ મારી દુકાનમાં થયેલી ચોરીઓ તો એક રેકોર્ડ છે.
વેપારીએ ચોરીની ઘટના અટકાવવા સીસીટીવી લગાવ્યા હતા પરંતુ ચોરો ડિજિટલ વીડિયો રેકોર્ડર પણ ઉઠાવતા ગયા હતા. વેપારીના કહેવા મુજબ, દુકાનમાં ચોરીની ઘટના રોરવા માટે તેમણે શક્ય તમામ તરકીબ અપનાવી છે પરંતુ કંઈ પરિણામ મળ્યું નથી. મારી દુકાનની બહાર એક પોઈન્ટ પર પોલીસની ચોકી છે. વીવીઆઈપી મુલાકાત અને તહેવારો દરમિયાન પોલીસકર્મીઓને બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવે છે, આ દિવસોમાં જ ચોરીની ઘટના નોંધાઈ છે.
વેપારીએ કહ્યું, 30 નવેમ્બરની ચોરી સૌથી અચંબિત કરનારી હતી. ચોરો આ વખતે પૂર્વ તૈયારી સાથે આવ્યા હોય તેમ લાગતું હતું. કટીંગ ટૂલ્સનો ઉપયોગ કરીને તેમણે પાછળની બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશ્યા હતા. જે બાદ તમામ માલ ચોરી લીધો હતો. આ વખતે એક કે બે વ્યક્તિ નહીં પરંતુ 10 થી 12 લોકોની ગેંગ મોટા વાહનમાં આવી હોવાથી કાજુકતરી, પેંડા, શ્રીખંડ અને બીજું જે કંઈ હાથ લાગ્યું તે ઉઠાવતા ગયા હતા.
નડિયાદ રૂરલ પોલીસમાં નોંધાયેલી દસમી પોલીસ ફરિયાદ મુજબ, ચોરોએ ₹ 12,000 ની કિંમતની 12 કિલો કાજુ કતરી, ₹38,200 ની કિંમતની 73.5 કિલો મિક્સ માવા મિઠાઈઓ અને ₹ 13,300 ની કિંમતનો 35 કિલો શ્રીખંડ ચોરી લીધો હતો. આ ઉપરાંત ચોરાયેલી અન્ય વસ્તુઓમાં ₹ 15,000 ના મિશ્ર બિસ્કિટ, ₹ 16,800 નું 70 કિલો નમકીન અને ₹ 3500 રોકડા હતા.