Thu Jan 01 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેર : રાજ-ઉદ્ધવનો ભરત મિલાપ: બે ડૂબતાએ એકબીજાને ઝાલ્યા

6 days ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ

ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત અંશત: સાચી પાડી છે. વાસ્તવિક રીતે બે ડૂબતા માણસોએ તરતા રહેવા એકબીજાને ઝાલ્યા છે.

મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને પુણે સહિતની 29 કોર્પોરેશન માટે મતદાન થવાનું છે અને 16 જાન્યુઆરીએ પરિણામ આવવાનું છે. આ ચૂંટણી આડે ગણીને 20 દિવસ પણ બચ્યા નથી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ અને 20 વર્ષ પહેલાં શિવસેના છોડીને નોખો ચોકો બનાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે હાથ મિલાવવાનું એલાન કર્યું છે.

શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચે જોડાણના ભણકારા ક્યારના વાગ્યા જ કરતા હતા કેમ કે બંને ભાઈઓ વચ્ચે ભરત મિલાપની ઘટનાઓ અચાનક વધવા લાગી હતી. બંને ભાઈ નાના નાના પારિવારિક પ્રસંગોમાં એકબીજાને ત્યાં ઉમળકાથી મળવા જ માંડેલા પણ રાજકીય મંચ પર પણ સાથે દેખાવા લાગ્યા હતા. આ વર્ષે જુલાઈમાં મુંબઈના વરલી ડોમમાં યોજાયેલી મરાઠા એકતા રેલીમાં ઉદ્ધવ અને રાજ એકસાથે મંચ પર આવ્યા હતા. એ વખતે જ બંને ઠાકરે એક થઈ જશે તેનો સંકેત મળી ગયેલો ને આ સંકેત સાચો પડ્યો છે.

રાજ અને ઉદ્ધવે હાથ મિલાવ્યા તેના કારણે બંનેને ફાયદો થાય છે કે નહીં એ તો ચૂંટણીનાં પરિણામો પરથી જ ખબર પડશે પણ સાથે આવવામાં બંનેએ કશું ગુમાવવાનું નથી. બલકે બંને માટે વકરો એટલો નફો જેવી જ હાલત છે. બંને લાગ્યું તો તીર નહીં તો તુક્કો કરીને એક પ્રયોગ કરી રહ્યાં છે. જોડાણથી ફાયદો થાય તો ભવિષ્યમાં સાથે રહેશે ને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ઉદ્ધવની શિવસેનામાં વિલીનીકરણ પણ થઈ જાય. જોડાણથી ફાયદો ના થાય તો કંઈ નહીં, તું તારા રસ્તે ને હું મારા રસ્તે.

રાજ ઠાકરેની રાજકીય કારકિર્દી સાવ પતી જ ગયેલી છે અને 20 વર્ષમાં રાજની મનસે સુપર ફ્લોપ સાબિત થઈ છે. 9 માર્ચ 2006ના રોજ શિવાજી પાર્કમાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ એટલે કે મનસેની જાહેરાત કરી ત્યારે મનસેને ‘મરાઠી માણસની પાર્ટી’ ગણાવી હતી.

રાજ ઠાકરેએ દાવો કરેલો કે, એક દિવસ આ પાર્ટી મહારાષ્ટ્ર પર રાજ કરશે પણ વીસ વર્ષ પછી મનસે માત્ર કાગળ પરની પાર્ટી રહી ગઈ છે. મનસેએ શરૂઆતનાં વરસોમાં થોડાક ચમકારા બતાવેલા પણ છેલ્લી કેટલીક ચૂંટણીમાં તો મનસેને કોઈ ગણકારતું જ નથી એવી હાલત છે. રાજ ઠાકરે માટે મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણી તો વ્યક્તિગત રીતે પણ આઘાતજનક સાબિત થઈ હતી કેમ કે રાજ ઠાકરેનો દીકરો અમિત ઠાકરે પોતે જીતી શક્યો નહોતો.

અમિત ઠાકરે મુંબઈની માહિમ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો પણ છેક ત્રીજા નંબરે આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મહેશ બલિરામ સાવંતે અમિત ઠાકરેના વિધાનસભામાં બેસવાના સપનાને ચકનાચૂર કરી દીધું અને આ પરિણામે સાબિત કરી દીધું કે, રાજ ઠાકરેનું કોઈ જ રાજકીય વજન જ નથી. ઉદ્ધવ રાજ ઠાકરેની સાવ પતી ગયેલી પાર્ટી નથી પણ એકાદ મોટો ફટકો પડે તો તેની હાલત પણ મનસે જેવી થઈ જ જાય કેમ કે એકનાથ શિંદેના બળવા પછી ઉધ્ધવ ઠાકરે માટે પણ રાજકીય અસ્તિત્વ ટકાવવાનું મુશ્કેલ બની ગયું છે.

શિંદેની બગાવત પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાએ સારો દેખાવ કરેલો તેથી એવું લાગતું હતું કે, ઉદ્ધવ ફરી બેઠા થઈ જશે પણ પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી પછડાટ અને હવે આ મહિને જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઉદ્ધવની શિવસેનાનું પડીકું થઈ જતાં ઉદ્ધવ માટે પણ કપરાં ચઢાણ તો થઈ જ ગયાં છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ગણીને 20 બેઠકો મળી હતી. ઉદ્ધવ ઠાકરેનો દીકરો આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી માંડ માંડ જીત્યો. બાકી એ પણ એક સમયે હારી જશે એવું લાગતું હતું પણ છેવટે શિંદેની શિવસેનાના મિલિન્દ દેવરા સામે 8000 મતે જીતતાં સાવ આબરૂ ના ગઈ પણ શિવસેનાની કારમી હાર ચોક્કસ થઈ હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો તેના કરતાં પણ ખરાબ દેખાવ થયો છે. લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાએ 9 બેઠકો જીતતાં લોકોએ બાળાસાહેબના સાચા વારસ તરીકે ઉદ્ધવને સ્વીકાર્યો છે એવી ધારણા બંધાયેલી પણ એક વર્ષમાં તો આ ધારણાના ભાંગીને ભુક્કા થઈ જતાં રાજ અને ઉદ્ધવ બંનેની હાલત લગભગ સરખી જેવી જ છે. આ સંજોગોમાં આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા જેવી જ છે.

ઉદ્ધવ ઠાકરે માટે આ ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો સૌથી મોટો પ્રશ્ન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએસી) છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉદ્ધવનો છેલ્લો ગઢ અને છેલ્લી આશા છે. લગભગ 74,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા બીએમસીમાં શિવસેનાએ લગભગ બે દાયકા સુધી રાજ કર્યું હતું પણ એ વખતે શિવસેના એક હતી અને ભાજપ તેની સાથે હતો. હવે શિવસેનાનાં ઊભાં ફાડિયાં થઈ ગયાં છે અને એકનાથ શિંદે ઉદ્ધવ કરતાં મોટી રાજકીય તાકાત બની ચૂક્યા છે. આ કારણે ઉદ્ધવની પાર્ટી પહેલાં જેવી મજબૂત સ્થિતીમાં નથી.

ઉદ્ધવની શિવસેના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હારી જાય તો તેના માટે ફરી બેઠા થવું લગભગ અશક્ય થઈ જાય. આ કારણે ઉદ્ધવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા જાળવવા મરણિયા બન્યા છે અને રાજ સાથે હાથ મિલાવી લીધા છે. અત્યાર સુધી શિવસેના (ઉદ્ધવ જૂથ) અને મનસે (રાજ ઠાકરે) અલગ-અલગ લડતાં તેથી મરાઠી મતો વહેંચાઈ જતા હતા. ભાજપને તેનો ફાયદો મળ્યો કેમ કે ભાજપ પાસે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીયોની મજબૂત મતબેંક છે. રાજ સાથે હાથ મિલાવી લેવાથી તે મરાઠી મતો વહેંચાશે નહીં અને પોતે ભાજપને પછાડી શકશે એવી ઉધ્ધવની ગણતરી છે.

ઉદ્ધવની શિવસેના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હારી જાય તો મુંબઈમાંથી ઠાકરે પરિવારનો દબદબો પણ ખતમ થઈ જાય. મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો છેલ્લાં ચાર દાયકાથી છે. મુંબઈ તેમાં કેન્દ્રસ્થાને છે. વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈનાં પરાંમાં ભાજપનો દબદબો રહ્યો હતો જ્યારે ઉદ્ધવની પાર્ટીએ મુંબઈ શહેરમાં ઠીક ઠીક દેખાવ કર્યો હતો તેના કારણે મુંબઈમાં હજુ શિવસેના સાવ પતી નથી ગઈ એવું લાગતું હતું. આ ચૂંટણીમાં આ વાત સાચી છે કે નહીં એ સ્પષ્ટ થઈ જશે.