Tue Dec 16 2025

Logo

White Logo

દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પોતાના બાળકોને સોશિયલ : મીડિયાથી કેમ દૂર રાખે છે, જાણો કારણો

20 hours ago
Author: mumbai samachar teem
Video

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે, પરંતુ જે લોકો આ પ્લેટફોર્મ્સ બનાવી રહ્યા છે તેઓ જ તેના જોખમોથી સૌથી વધુ ચિંતિત છે. વિશ્વની મોટી ટેક કંપનીઓના સીઈઓ અને માલિકો હવે જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઘાતક છે. તાજેતરમાં 'ટાઈમ મેગેઝિન' દ્વારા 'સીઈઓ ઓફ ધ યર' તરીકે ચૂંટાયેલા યુ-ટ્યુબના સીઈઓ નીલ મોહને આ બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જે દરેક વાલીઓ માટે આંખ લાલબત્તી સમાન છે.

વર્ષ 2023માં યુ-ટ્યુબની કમાન સંભાળનાર ભારતીય મૂળના નીલ મોહને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમનો પરિવાર ઓનલાઈન પ્લેટફોર્મનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરે છે. નીલ મોહનના ત્રણ બાળકો છે અને તેઓ તેમના સ્ક્રીન ટાઈમ પર ચાંપતી નજર રાખે છે. તેમણે કહ્યું કે અમે બાળકો માટે યુટ્યુબ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સના વપરાશની મર્યાદા નક્કી કરી છે. કામના દિવસો (વીકડેઝ) દરમિયાન અમે વધુ કડક હોઈએ છીએ, જ્યારે વીકેન્ડ પર થોડી છૂટછાટ આપીએ છીએ. 

માત્ર નીલ મોહન જ નહીં, પરંતુ ઇલોન મસ્ક અને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ બાળકો માટે સોશિયલ મીડિયાને અયોગ્ય માને છે. મસ્કે તો ત્યાં સુધી સ્વીકાર્યું છે કે તેમણે તેમના બાળકો પર પ્રતિબંધ ન લગાવી તે તેમની ભૂલ હતી. બીજી તરફ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે તેમના બાળકોને 14 વર્ષની ઉંમર પછી જ ફોન આપ્યો હતો. યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓ સુઝાન વોજસિકી પણ તેમના બાળકોને માત્ર 'યુટ્યુબ કિડ્સ' જોવાની જ મંજૂરી આપતા હતા, કારણ કે તેમનું માનવું છે કે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે.

વિવિધ સંશોધનોમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા વપરાશને કારણે બાળકોમાં એન્ઝાયટી (ચિંતા), ડિપ્રેશન અને ઊંઘ ન આવવાની સમસ્યાઓ વધી રહી છે. જે બાળકોને 12 વર્ષની ઉંમર પહેલા જ સ્માર્ટફોન મળી જાય છે, તેમનામાં સાયબર બુલિંગ અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. વધુમાં, શારીરિક પ્રવૃત્તિ ઘટવાને કારણે વજન વધવાની સમસ્યા પણ સામાન્ય બની રહી છે. આ ગંભીર અસરોને જોતા જ ઓસ્ટ્રેલિયા સરકારે તાજેતરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.