Mon Dec 15 2025

Logo

White Logo

દક્ષિણ આફ્રિકામાં નિર્માણાધીન મંદિર ધરાશાયીઃ : એક ભારતીય સહિત ચારનાં મોત...

durban   8 hours ago
Author: Mumbai Samachar Team
Video

ડરબનઃ દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતથી એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. અહીં એક વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ નિર્માણધિન મંદિર અચાનક જ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ભારતીય મૂળના એક શ્રદ્ધાળુનો પણ સમાવેશ થાય છે, જે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ હતો. 

આ ઘટના ડરબન (ઈથેક્વિની)ના ઉત્તરમાં આવેલા રેડક્લિફ વિસ્તારની એક પહાડી પર બની હતી. શુક્રવારે જ્યારે કામ ચાલુ હતું ત્યારે 'ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેક્શન'નો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ શનિવારે વધુ બે મૃતદેહ મળી આવતા કુલ આંકડો ચાર પર પહોંચ્યો છે. 
આ મૃતકોમાં 52 વર્ષીય વિકી જયરાજ પાંડેનો સમાવેશ થાય છે, જેઓ મંદિર ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ સભ્ય અને પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક મજૂરો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે.

આ મંદિરનું નિર્માણ ભારતીય મૂળના એક પરિવાર દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું હતું. આ મંદિરની વિશેષતા એ હતી કે અહીં ભગવાન નરસિંહદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની યોજના હતી. મંદિરની ડિઝાઇન ગુફા જેવી રાખવામાં આવી હતી, જેના માટે ખાસ ભારતથી લાવવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ પ્રોજેક્ટ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વકાંક્ષી હતો, પરંતુ નિર્માણ પૂર્ણ થાય તે પહેલા જ આ મોટી હોનારત સર્જાઈ છે.

આ દુર્ઘટના બાદ ઈથેક્વિની નગરપાલિકાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મંદિરના બાંધકામ માટે કોઈ પણ પ્રકારના પ્લાન મંજૂર કરવામાં આવ્યા નહોતા. પાલિકાના જણાવ્યા અનુસાર, આ નિર્માણ કાર્ય ગેરકાયદે રીતે ચાલી રહ્યું હતું. બીજી તરફ ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ક્વાઝુલુ-નતાલ પ્રાંતના મંત્રી થુલાસિજ્વે બુથેલેજીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને શોધી લેવામાં નહીં આવે ત્યાં સુધી બચાવ અભિયાન ચાલુ રહેશે.