નવી દિલ્હી : ભારતીય સુરક્ષા દળોની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે ભારતીય નૌકાદળને આ વર્ષની શરૂઆતમાં બે નવા યુદ્ધ જહાજો તારાગિરી અને અંજદીપ મળશે. જેમાં તારાગિરી નીલગિરી ક્લાસ ફ્રિગેટ છે અને અંજદીપ સબમરીન છે. આ બંને યુદ્ધ જહાજો જાન્યુઆરીમાં કાર્યરત થવાની શકયતા છે. તારાગિરી ચોથું નીલગિરી-ક્લાસ ફ્રિગેટ હશે. નૌકાદળને આવા સાત ફ્રિગેટ મળવાના છે. અંજદીપ સબમરીન છે નૌકાદળને કુલ 16 સબમરીન મળવાની છે.
નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો
તારાગિરી ફ્રિગેટ બ્રહ્મોસ લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, સ્વદેશી રોકેટ લોન્ચર્સ, ડિફેન્સ સિસ્ટમ પ્રણાલીઓ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ જેવી અત્યાધુનિક અને મહત્વપૂર્ણ સિસ્ટમોથી સજ્જ હશે. આ પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલા નીલગિરી-ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સ નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે.
યુદ્ધ જહાજ નવીનતમ શસ્ત્રો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ
નીલગિરી વર્ગના યુદ્ધ જહાજો શિવાલિક વર્ગના ફ્રિગેટ્સ (પ્રોજેક્ટ 17) ના સફળ વારસા પર આધારિત છે, પરંતુ તેમાં આક્રમક ક્ષમતા, સ્ટીલ્થ ટેકનોલોજી, ઓટોમેશન, ટકી રહેવાની ક્ષમતા અને મોડ્યુલર બાંધકામ તકનીકોમાં નોંધપાત્ર સુધારાઓ છે. 6,670 ટન વજન ધરાવતા નીલગિરી વર્ગના ફ્રિગેટ્સ યુદ્ધ જહાજ નવીનતમ શસ્ત્રો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સજ્જ છે.
આમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, MF-STAR સર્વેલન્સ રડાર, બરાક-8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ અને અત્યાધુનિક એન્ટિ-સબમરીન (ASW)ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તેમની નવી ડિઝાઇન રડાર, ઇન્ફ્રારેડ, ધ્વનિ અને મેગનેટીક વેવને વધુ ગુપ્ત અને અટકાવવા મુશ્કેલ બનાવે છે.
એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ અંજદીપ કાર્યરત થશે
ભારતીય નૌકાદળને કુલ 16 સબરીન યુદ્ધ જહાજ મળશે. જેમાંથી ત્રણ કાર્યરત થઈ છે. જયારે જાન્યુઆરીમાં અન્ય એક એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ અંજદીપ કાર્યરત થશે. આ જહાજ સબમરીન સર્વેલન્સ, શોધ અને બચાવ મિશન અને ઓછી તીવ્રતાવાળા દરિયાઈ કામગીરી કરી શકે છે. આ જહાજો સમુદ્રમાં ઓછી તીવ્રતા ધરાવતી કામગીરીમાં પણ ઉપયોગી થશે.
ફ્રિગેટ યુદ્ધ જહાજ શું છે ?
ઉલ્લેખનીય છે કે, આજની નૌકા યુદ્ધ વ્યવસ્થામાં યુદ્ધ જહાજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આ યુદ્ધ જહાજોમાં ખાસ કરીને ફ્રિગેટ અને ડિસ્ટ્રોયરનો સમાવેશ થાય છે.આ બંને પ્રકારના યુદ્ધ જહાજો પોતપોતાની ભૂમિકામાં વિશિષ્ટ છે. જેમાં ફ્રિગેટ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે જે સામાન્ય રીતે કદમાં નાનું, હલકું અને ઝડપી હોય છે. તેનો ઉપયોગ ખાસ કરીને સપાટી પરના હુમલા, એન્ટી સબમરીન વોર અને હવાઈ વિરોધી યુદ્ધ માટે થાય છે. આ યુદ્ધ જહાજોનો ઉપયોગ સતત અને ઇન્ટરસેપ્શન પેટ્રોલિંગ જેવા મિશનમાં થાય છે.
ફ્રિગેટમાં લાંબી રેન્જ અને વિવિધ પ્રકારની મિસાઇલો, ટોર્પિડો અને રડાર સિસ્ટમ
ફ્રિગેટમાં લાંબી રેન્જ અને વિવિધ પ્રકારની મિસાઇલો, ટોર્પિડો અને રડાર સિસ્ટમ છે. નોંધનીય છે કે ફ્રિગેટને બંને તરફથી સુરક્ષા જહાજ તરીકે જોવામાં આવે છે, જે એરક્રાફ્ટ કેરિયર્સ અને ડિસ્ટ્રોયર જેવા મોટા યુદ્ધ જહાજોની સુરક્ષામાં મદદ કરે છે. તેમના નાના કદના કારણે, આ યુદ્ધ જહાજો ઝડપી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે.