Thu Jan 01 2026

Logo

White Logo

કમોસમી વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, : અનેક જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ

20 hours ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં ધકેલી દીધા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવલો મળ્યાં છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે કચ્છ, પોરબંદર અને દ્વારકા ઉપરાંત જામનગરમાં કમોસમી વરસાદ થયો છે. આ સાથે બનાસકાંઠા, વાવ-થરાદમાં પણ કમોસમી વરસા થયો હોવાના સમાચાર મળ્યાં છે. આ વરસાદના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. આ પહેલા પણ વરસાદના કારણે હજારો ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હતો. અત્યારે ફરી પણ આવી જ સ્થિતિ નિર્માણ પામી છે.

24 કલાક લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 24 કલાક લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે કડકડતી ઠંડી પડવાની છે. ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી પડી નથી પરંતુ અત્યારે જે પ્રકારે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેને જોતા ભારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ તેની આગાહી કરી દેવામાં આવી છે. 

આગામી બે-ત્રણ દિવસ કમોસમી માવઠાની આગાહી 

અત્રે ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના હળવા દબાણની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, પોરબંદર, દેવભૂમિ દ્વારિકા સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ દરમિયાન કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી છે. આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભરશિયાળે ધીમીધારે કમોસમી વરસાદ વરસાદ થયો હતો. આ વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. 

સુઈગામ તાલુકાના બેણપ અને ભટાસણામાં પણ હળવો વરસાદ થયો હતો. આ સાથે થરાદના ડેડુવામાં પણ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળો દેખાય તેવી શક્યતા છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.