શિવસેના (UBT) અને MNS વચ્ચેના જોડાણને કારણે કોંગ્રેસે મહા વિકાસ આઘાડીથી છેડો ફાડ્યો
મુંબઈ: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાના કોંગ્રેસના નિર્ણયથી મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં વિપક્ષના નવા સમીકરણ તૈયાર થવાની સંભાવના હોવાથી 15 જાન્યુઆરીની ચૂંટણી બહુ કોણીય સ્પર્ધામાં ફેરવાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને રાજ ઠાકરેની એમએનએસ વચ્ચેના જોડાણને કારણે પોતે મહા વિકાસ આઘાડી જોડાણમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
રાજકીય નિરીક્ષકોના અભિપ્રાય અનુસાર સ્થાનિક મુદ્દાઓ અને વૈચારિક સ્પષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરીને એકલા ચૂંટણી લડવાનું કોંગ્રેસનું પગલું વ્યૂહાત્મક પુનર્ગઠન અને રાજકીય પરિસ્થિતિ પ્રતિબિંબિત કરે છે. આ એક જુગાર છે અને એમાં ઘણા જોખમ રહેલા છે. મુંબઈમાં કોંગ્રેસ આ લડતમાં કેવી પાર ઉતરે છે એની મહારાષ્ટ્ર અને આગળના રાજકીય ભવિષ્ય પર લાંબા ગાળાની અસર પડી શકે છે. ઐતિહાસિક રીતે મુંબઈના નાગરિક રાજકારણમાં કોંગ્રેસ મજબૂત પક્ષ હતો, પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તેની બેઠકોના હિસ્સામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
2017માં થયેલી છેલ્લી ચૂંટણીમાં, તત્કાલીન અવિભાજિત શિવસેના (84) અને ભાજપ (82) વચ્ચે મજબૂત ટક્કર હતી, પણ એ વખતે કોંગ્રેસની બેઠકોની સંખ્યા ઘટીને 31 થઈ ગઈ હતી. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે વૈચારિક મતભેદોને કારણે, ખાસ કરીને ભાષાકીય ઓળખ અને સ્થળાંતરિત મુદ્દાઓ પરના તેના વલણને કારણે તેની સાથે જોડાણ કરી શકાય એમ નથી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું છે કે 'વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપતા ગઠબંધનનો અમે હિસ્સો ન બની શકીએ. કોંગ્રેસ શહેરમાં સંગઠનાત્મક પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. શહેરના તમામ 227 વોર્ડમાં મજબૂત ઉમેદવારો ઉભા રાખવાની તેની ક્ષમતા પર પ્રશ્નો ઊભા થાય છે.
પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડી સાથે સંભવિત સમજૂતી માટે વાટાઘાટો ચાલુ છે. જોકે સૂત્રો કહે છે કે બેઠકોની વહેંચણી અંગેના મતભેદોને કારણે અત્યાર સુધી ઔપચારિક જોડાણ શક્ય બન્યું નથી.
મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં સારો દેખાવ કોંગ્રેસને મહારાષ્ટ્રમાં તેના સંગઠનાત્મક આધારને ફરીથી બનાવવામાં અને ભવિષ્યની ચૂંટણીઓ પહેલા સોદાબાજી કરવામાં મદદ કરી શકે છે, જ્યારે ખરાબ પ્રદર્શન તેને વધુ હાંસિયામાં ધકેલી શકે છે.
(પીટીઆઈ)